અમદાવાદના લાંભા વોર્ડમાં આવેલા સૈજપુર-ગોપાલપુર ગામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. તંત્ર દ્વારા ગટરની ચેમ્બર બનાવવા માટે ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં પાંચ પશુઓ ખાબક્યા હતા, જેમાંથી બે ગાયોના મોત નિપજ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યાનુસાર, વહેલી સવારે બનેલી આ ઘટનામાં અન્ય ત્રણ વાછરડીઓને માંડ-માંડ બહાર કાઢવામાં આવી હતી, જે હાલ અત્યંત ગંભીર હાલતમાં છે.

ગ્રામજનોમાં આ મામલે ભારે રોષ
આ દુર્ઘટનાને પગલે તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. જે સ્થળે આ ખાડો ખોદવામાં આવ્યો હતો તે રહેણાંક વિસ્તાર છે અને ત્યાં મોટી સંખ્યામાં પશુઓની અવરજવર રહે છે. તેમ છતાં સુરક્ષા માટે કોઈ પણ પ્રકારના બેરિકેડિંગ કરવામાં આવ્યા નહોતા. ગ્રામજનોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તંત્રની આવી લાપરવાહી માત્ર પશુઓ જ નહીં પરંતુ સ્થાનિક નાગરિકોના જીવ માટે પણ મોટું જોખમ ઊભું કરી રહી છે.
અધિકારીઓનો સ્થળ પર બેરિકેડિંગ હોવાનો દાવો
બીજી તરફ, દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગના અધિકારીઓએ આ મામલે વિચિત્ર બચાવ કરતા જણાવ્યું હતું કે, ગાયો અંદરોઅંદર લડતી વખતે ખાડામાં પડી ગઈ હતી. અધિકારીએ સ્થળ પર બેરિકેડિંગ હોવાનો દાવો કર્યો છે, પરંતુ વાસ્તવિક દ્રશ્યોમાં ક્યાંય પણ સુરક્ષા ફેન્સિંગ દેખાતી નથી. આશ્ચર્યની વાત એ છે કે, જે વોર્ડમાં આ બેદરકારીને કારણે પશુઓના મોત થયા છે, ત્યાં જ આજે મેયર અને ધારાસભ્યનો કાર્યક્રમ યોજાવાનો છે, જેને લઈને તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે.
