શહેરના થલતેજમાં આવેલી હોટલ કિંગ પેલેસ અને હોટલ આઇ લેન્ડના સંચાલક રોકી અને વિવેક વિવાદનું બીજુ નામ બની ગયા છે. વિદેશી યુવતીઓને બહારથી લાવીને તેમને સિલેક્ટેડ ગ્રાહકો માટે ખાસ વેપાર કરાવતા રોકીને પોલીસના વહીટવદાર ગણાતા અને પોતાને કથિત પત્રકાર ગણાતા વિવેક નામના કુખ્યાત વ્યક્તિએ પોલીસ વતી પ્રોટેક્શન આપ્યું હોવાની સ્થાનિક પોલીસ પણ ભેદી મૌન રાખી રહી છે. ત્યારે આ મામલો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. જે અંગે સીઆઇડી ક્રાઇમે તેમને મળેલા વિડીયો અને ફોટો તેમજ અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે.

સૌથી નવાઇની વાત એ છે કે રોકીની હોટલમાં કામ કરતી વિદેશી યુવતીઓને ટુરીસ્ટ પરમીટના નામે લાવવામાં આવે છે અને તેમને દેહવિક્રયનો કારોબાર બરોકટોક રીતે કરવામાં આવે છે. આ યુવતીઓ પૈકી કેટલીંક યુવતીઓના વિઝાની મુદ્દત પણ પૂર્ણ થઇ ગઇ હોવાની વિગતો પણ સીઆઇડી ક્રાઇમના યુનીટને મળી છે. જે અંગે પણ તપાસ કરવા માટે સુચના આપવામાં આવી છે.
આ ઉપરાંત, અગાઉ પણ વિવાદમાં આવેલા વિવેક નામના વ્યક્તિ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ક્રાઇમબ્રાંચના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની સાથેની સાંઠગાઠ પણ તપાસવામાં આવી રહી છે. ખાસ કરીને વિવેકની પત્નીના બેંક એકાઉન્ટમાં નિયમિત રીતે રોકી દ્વારા ઓનલાઇન નાણાં ચુકવવામાં આવતું હોવાનું પણ જાણવા મળ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ વિવેકે આપેલા પ્રોટેક્શનની શરત મુજબ જે દિવસે કારોબાર થાય તે દિવસના નાણાં ચુકવી દેવાનું નક્કી થયુ છે. જેથી નિયમિત રીતે નાણાં ચુકવી આપવામાં આવે છે. આ ઉપરાંત,બોડકદેવ પોલીસ સ્ટેશનના વહીટવદાર જયપાલસિંહ સાથે પણ રોકી અને વિવેકની જોડીની સાંઠગાંઠ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે પોલીસની ચોક્કસ બ્રાંચ માટે વહીવટનું કામ કરતો વિવેક અમદાવાદના મોટાભાગના સ્પાના સંચાલકો અને પોલીસ વચ્ચેની કડી છે. જે પોલીસ માટે લાખોનો વહીવટ કરવાની સાથે તેના ખાસ માણસોની મદદથી ઉઘરાણા કરીને અધિકારીઓને નાણાં પહોંચતા કરે છે.

