અમદાવાદના સાબરમતી આશ્રમથી ઐતિહાસિક દાંડી માર્ગ પર નીકળેલી નિવૃત્ત આર્મી જવાનોની પદયાત્રા આમોદ પહોંચતા નગરજનોએ તેમને ભાવભીનું આવકાર્યા હતા. ૬૨ વર્ષથી વધુ વયના ભારતના વિવિધ રાજ્યોના ૧૬ નિવૃત્ત જવાનોએ ગાંધીજીના જીવનમૂલ્યોને સમજવા અને રાષ્ટ્રચેતના જગાડવા આ પદયાત્રા આદરી છે. આમોદ ગાંધી આશ્રમ ખાતે આર્મીના આ નિવૃત્ત વીરોનું પુષ્પગુચ્છ અને સ્વાગત ગીતો સાથે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

ગત ૨ જાન્યુઆરીથી શરૂ થયેલી આ યાત્રામાં જોડાયેલા જવાનો હાલ સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવે છે. આમોદ પહોંચ્યા બાદ તેમણે પ્રાથમિક શાળાના બાળકો સાથે વાર્તાલાપ કરી ગાંધીજીના અહિંસા અને સત્યના માર્ગ વિશે ચર્ચાઓ કરી હતી. આ પ્રસંગે બી.આર.સી. આસિફ પટેલ, પરિમલ મોદી અને ગાંધી આશ્રમના સંચાલકોએ જવાનોની રાષ્ટ્રભક્તિને બિરદાવી હતી. આર્મી જવાનોની આ અનોખી દાંડી યાત્રાએ સ્થાનિક યુવાનો અને વિદ્યાર્થીઓમાં દેશપ્રેમનો નવો જુસ્સો ભર્યો છે.
