અમદાવાદના સી.જી રોડ પર આવેલી યુનિયન બેન્ક કરન્સી ચેસ્ટમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) બપોરે એક ચોંકાવનારી ઘટના બની હતી. હકીકતમાં અહીં એક સિક્યુરિટી ગાર્ડે કથિત રીતે તેના સહકર્મી પર લાઇસન્સવાળી ડબલ-બેરલ બંદૂક વડે ગોળીબાર કર્યો હતો. એક મહિના પહેલાં કાર્યસ્થળે થયેલા વિવાદ બાદ સિક્યુરિટી ગાર્ડે આ હુમલો કર્યો હતો. જેમાં 44 વર્ષીય ઈમરાન ખાન ઈજાગ્રસ્ત થયા છે. તેઓ નિવૃત્ત આર્મી કર્મચારી છે અને હાલમાં ઇએસપીએસ સિક્યુરિટીમાં ફરજ બજાવતા હતા. પગે ગોળી વાગતા હાલ તેમને રખિયાલની નારાયણી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, 55 વર્ષીય આરોપી મહેશકુમાર મેહરિયા જેઓ પોતે નિવૃત્ત CRPF જવાન છે અને તે જ બેન્કમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે તૈનાત છે, તેમણે બપોરે લગભગ 12:15 વાગ્યે યુનિયન બેન્ક કરન્સી ચેસ્ટના બેઝમેન્ટ વિસ્તારમાં ઇમરાન ખાન પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત ઇમરાન ખાને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘લગભગ એક મહિના પહેલા ફરજ પર હતા ત્યારે તેણે મજાકમાં મેહરિયાના પેટ પર થપ્પડ મારી હતી. જે બાદમાં મનદુઃખનું કારણ બન્યું. ત્રણ દિવસ પછી મહેશકુમારે મને કહ્યું કે, મારી થપ્પડથી તેને પેટમાં સખત દુખાવો થયો છે. મેં માફી પણ માંગી હતી અને મામલો પતાવવા માટે મેં તેમને પાછી થપ્પડ મારવાની પણ ઓફર કરી હતી.’જોકે, ત્યાર બાદ ગુરૂવારે (30 ઓક્ટોબર) જ્યારે ઈમરાન ખાન બાથરૂમમાંથી બેઝમેન્ટ એરિયામાં પાછા આવી રહ્યા હતા, ત્યારે મહેશકુમાર મેહરિયાએ કથિત રીતે પાછળથી પોતાની લાઇસન્સવાળી ડબલ-બેરલ ગન વડે તેમના પર ગોળીબાર કર્યો, જે તેમને પગના પાછળના ભાગમાં વાગી હતી. ઈજાગ્રસ્ત ઇમરાન ખાનને તાત્કાલિક પહેલા અસારવા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે નારાયણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બેન્કના મેનેજર સુષ્મિત રોય અને અન્ય સ્ટાફના સભ્યો લોહી નીકળતા જોઈને તેમની મદદ માટે દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી સેવાઓને બોલાવી હતી.
પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
પીડિતનો દાવો છે કે, આરોપીએ તેમને મારવાના ઇરાદે બંદૂકના બટ (Butt of the gun) વડે તેમની જાંઘ પર પણ હુમલો કર્યો હતો. ઘટના બાદ આરોપી મહેશકુમાર મેહરિયા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની સંબંધિત કલમો હેઠળ અને આર્મ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે બેન્કમાં હાજર પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પણ નોંધ્યા છે અને ફરાર આરોપીને શોધી કાઢ્યો છે.

