સરદારનગર વિસ્તારમાં ગેલેક્ષી સિનેમા પાસે પતિએ શબક શિખડાવવા એસિડ જેવું જ્વલનશીલ પદાર્થ પત્નીના મોંઢા ઉપર છાંટતા દાઝી જતાં હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જેમાં પતિની મર્દાનગી ઉપર પત્ની અવાર નવાર મેણા-ટોણા મારતી હતી જેથી બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. તેને લઇને કેમિકલ એટેક કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધતા ક્રાઇમ બ્રાન્ચે પત્ની ઉપર એટેક કરનાર પતિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આળખ છૂપાવવા હેલ્મેટ પહેરી હોર્ન મારતા પત્નીએ પાછું વળીને જોતા પ્રવાહી છાંટી ભાગી ગયો ઃ સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે પતિની ધરપકડ કરી
નિકોલમાં રહેતી અને કારના શો-રૃમમાં નોકરી કરતી ૨૮ વર્ષની મહિલા તેને વર્ષ ૨૦૨૩માં પ્રેમી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતું છ મહિનાથી પતિ સાથે મનમેળ ન આવતા મહિલા નરોડા પિયરમાં રહેવા આવી હતી. ગઇકાલે મહિલા નોકરીથી છૂટીને ગેલેક્ષી ચાર રસ્તા રિક્ષામાંથી ઉતરીને ચાલતી ઘરે જતી હતી. આ સમયે નીલકમલ સોસાયટીના ગેટ પાસે પહોચી તે સમયે હેલ્મેટ પહેરીને બાઈક પર આવેલા એક અજાણ્યા શખ્સે તેની નજીક આવીને હોર્ન મારતાં મહિલાએ પાછળ જોતા યુવકે તેના મોંઢા પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંક્યુ હતું જેથી યુવતીને આંખ અને હોઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોધીને તપાસ શરૃ કરી હતી.
ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાતા ક્રાઇમની ત્રણ ટીમોએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીની પૂછપરછ કરતા તે નિકોલ ખાતે રહેતો મહિલાનો પતિ જ નીકળ્યો હતો. પૂછપરછમાં બનાવના આગળના દિવસે પતિ અને પત્ની મળતા જતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. એટલું જ નહી અવાર નવાર પત્ની મર્દાનગી પર મેણા-ટોણા મારતા શબક શીખવાડવા તેને નરોડા જીઆઇડીસીના વેસ્ટેજમાંથી કોરોઝિવ કેમિકલ લાવીને તેને પાણીમાં ઓગાળીને પત્નીના મોંઢા પર છાંટયું હતું અને હુમલો કર્યા બાદ હોસ્પિટલમાં પત્નીને જોવા ગયો હતો.
—–
ઇસનપુરમાં વિધાર્થિનીનો પીછો કરી એસિડ છાંટવાની ધમકી
અમદાવાદ, શનિવાર
ઇસનપુર વિસ્તારમાં રહેતી અને ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી ૨૦ વર્ષની યુવતી તા.૨૬-૦૩-૨૬ના રોજ એક્ટિવા લઇને મણિનગર રામગલીથી ઘરે જતી હતી. ત્યારે રસ્તામાં એક એક્ટિવા ઉપર આવતો યુવક સતત હોર્ન મારીને હેરાન કરતો હતો. જેથી સોસાયટીના ગેટ પાસે આવતા ઠપકો આપતા પૂછયું કે કેમ પાછળ પાછળ આવે છે. એટલે શખ્સે મિત્રને મળવા આવ્યો હોવાનું કહેતા સિક્યોરીટી ગાર્ડે રજીસ્ટ્રેશન કરાવીને અંદર જવાનું કહ્યું તો ગાર્ડ સાથે તકરાર કરવા લાગ્યો હતો. બાદમાં યુવતીએ પિતાને ફોન કરીને બોલાવતા ઠપકો આપતા તકરાર કરી હતી યુવતીને કહ્યું કે બહુ બોલીશ તો તારી પર એસિડ છાંટીને સળગાવવાની ધમકી આપી હતી.
