AHMEDABAD : પાલડીમાં CCTV બંધ કરી દેરાસરમાંથી 1.64 કરોડના મુગટની ચોરી, પૂજારી અને સફાઈ કર્મચારી ફરાર

0
63
meetarticle

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી ભગવાનને ચઢાવવામાં આવેલા 117.336 કિલોના ચાંદીના મુગટ, કુંડળ અને ચાંદીના પૂંઠિયા સહિત કુલ 1.64 કરોડ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી થઈ છે. આ ચોરી કોઈ અજાણ્યા ચોરે નહીં, પરંતુ દેરાસરના પૂજારી અને બે સફાઈ કર્મચારીઓએ મળીને કરી છે. આ મામલે પાલડી પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે

.શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, 8 ઓક્ટોબરે શિતલનાથ ભગવાન અને વાસુપૂજ્ય સ્વામીને ચઢાવવા માટે આવેલી આંગી (ચાંદીનું ખોળિયું) દેરાસરના ભોંયરામાં લોકર વાળા રૂમમાંથી ગાયબ હોવાની જાણ થઈ હતી. સેક્રેટરી રાજેશ શાહ અને અન્ય સભ્યોએ તપાસ કરતા ખબર પડી કે, ભગવાનના મુગટ, કુંડળ અને અગાઉ દીવાલ પરથી ઉતારીને લોકરમાં મૂકેલા ચાંદીના પૂંઠિયા સહિત 117.336  કિલો ચાંદી ગાયબ છે. આંગી અને દાગીના ગાયબ થતાં જ ટ્રસ્ટીઓએ દેરાસરના પૂજારી મેહુલ રાઠોડની શોધખોળ કરી, પરંતુ તે ગાયબ હતો અને તેનો ફોન પણ સ્વિચઓફ આવતો હતો. સફાઈ કામ કરતા કિરણ અને પુરી પણ પોતાના મહેસાણાના વિસનગર ખાતેના વતન (ભાલક ગામ) ભાગી ગયા હતા.

CCTVની મેઇન સ્વીચ બંધ કરી

ટ્રસ્ટીઓએ દેરાસરના સીસીટીવી કેમેરા ચેક કર્યા તો ચોંકાવનારી હકીકતો સામે આવી. ચોરીના માસ્ટર પ્લાન મુજબ, લોકરની ચાવી ધરાવતા મેહુલે પોણા ત્રણ વાગ્યાની આસપાસ સીસીટીવી કેમેરાની મેઇન સ્વીચ બંધ કરી દીધી હતી, જેથી ચોરીની હરકતો રેકોર્ડ ન થાય. આશરે અઢી કલાક સુધી ચોરીને અંજામ આપ્યા બાદ સવા પાંચ વાગ્યે તેણે ફરી સ્વીચ ચાલુ કરી હતી. જોકે, સ્વીચ બંધ કરવાની અને ચાલુ કરવાની બંને પ્રવૃત્તિઓ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વધુ તપાસમાં ખબર પડી કે, માત્ર દસ હજાર રૂપિયાના પગાર પર કામ કરતા કિરણ અને પુરીએ વિસનગરમાં મકાન અને કારની ખરીદી કરી હતી, જે તેમની શંકાસ્પદ પ્રવૃત્તિઓ તરફ ઈશારો કરે છે. પાલડીની ન્યૂ પીનલ પાર્ક સોસાયટીમાં રહેતા અને દેરાસરના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા રાજેશ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં પૂજારી મેહુલ રાઠોડ સફાઈ કામ કરતા કિરણ અને તેની પત્ની હેતલ વિરુદ્ધ વિશ્વાસઘાત અને ચોરીની ફરિયાદ નોંધાવી છે. રાજેશ શાહ છેલ્લા 14 વર્ષથી દેરાસરમાં સેક્રેટરી તરીકે સેવા આપે છે. પોલીસે ત્રણેય ફરાર આરોપીઓ વિરુદ્ધ 1.64 કરોડની ચોરીનો ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here