નારોલમાં માતા-પિતા માટે ચેતવણીરૃપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મજાક મજાકમાં પિસ્તોલ તાકતાં અચાનક ફાયરિંગ થતાં સગીરને માથામાં ગોળી વાગી હતી. જો કે ગોળી માથામાં ફસાઈ જતા એલ.જી. હોસ્પિટલથી વધુ સારવાર માટે સગીરને સિવિલમાં દાખલ કરાયો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં માતા બિમાર હોવાથી સગીર મિત્રના ઘરે ખબર કાઢવા ગયો હતો જમતા સમયે આ ઘટના બની હતી.

નારોલમાં મજાક મજાકમાં ફાયરિંગ થતાં ગોળી માથામાં ફસાતા વધુ સારવાર માટે સિવિલમાં દાખલ કરાયો પિસ્તોલ કચરામાં ફેંકી નાસી જનારા બે શખ્સો પકડાયા
વટવામાં રહેતા અને યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં નારોલમાં રહેતા સિધ્ધાંત તથા વટવામાં રહેતા રોહિત સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી સિધ્ધાંતની માતાને હોસ્પિટલમાં દાખલ કરી હોવાથી તેમનો સગીર પુત્ર તેના ઘરે ખબર કાઢવા માટે ગયો હતો જ્યાં તેનો બીજો મિત્ર પણ હાજર હતો ત્રણેય મોડી રાતે જમતા હતા.આ સમયે સિધ્ધાંત તેના મિત્ર પાસેથી ગેરકાયદે દેશી બનાવટની પિસ્તોલ લાવ્યો હતો જે પિસ્તોલ બીજા આરોપી રોહતને આપી હતી આરોપી પિસ્તોલ સગીર તરફ તાકતો હતો જેથી સગીર આવું નહી કરવા કહ્યું હતું છતાં મજાક મજાકમાં પિસ્તોલ સગીર તરફ તાકી હતી અને અચાનક ફાયરિંગ થતાં સગીરને માથા અને કાનના ભાગે ઇજા થઇ હતી જે હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે કચરામાં ફેંકેલી પિસ્તોલ સાથે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

