અમદાવાદ ફાયર વિભાગ માટે અંદાજિત રુપિયા બે કરોડના ખર્ચથી ૪૨ મીટર હાઈટ સુધીનું ટર્ન ટેબલ લેડર અને રુપિયા દોઢ કરોડથી વધુની કિંમતનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવા કવાયત શરુ કરાઈ છે. ટર્ન ટેબલ લેડરની મદદથી ૧૪ માળથી વધુની ઉંચાઈ સુધી તથા હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ૧૦ માળથી વધુની ઉંચાઈ સુધી લાગેલી આગને કાબૂમાં લઈ શકાશે.

ફાયર વિભાગમાં અગાઉ એક ટર્ન ટેબલ લેડર ખરીદાયુ હતુ.જેનો જવલ્લે જ ઉપયોગ કરાયો હતો. આ ટર્ન ટેબલ લેડર હાલ કયાં કઈ સ્થિતિમાં છે એ અંગે ફાયર વિભાગમાંથી કોઈ બોલવા તૈયાર નથી. સેન્ટ્રલ વર્કશોપ દ્વારા ફાયર વિભાગ માટે એક ટર્ન ટેબલ લેડર તથા એક હાઈડ્રોલિક પ્લેટફોર્મની ખરીદી કરવા બીડરો પાસેથી રિકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવાઈ છે.આ ખરીદી દેશમાંથી કરાશે કે વિદેશમાંથી એની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. જો વિદેશમાંથી કરવાની હશે તો સરકારના નિયમ મુજબ કસ્ટમ અને એકસાઈઝ પહેલા ભરવા પડશે.જેનુ રીએમબર્મેન્ટ પછીથી મળી રહેશે.આગામી દિવસોમાં ચાર કરોડના ખર્ચે આ બંને સાધનોની ખરીદી કરાશે.
ફાયર વિભાગ દ્વારા ખરીદાયેલુ બુમર ટાવર ફાઉન્ડેશનમાંથી તૂટી પડયુ હતુ
અમદાવાદ ફાયર વિભાગ માટે ૩૦ મીટર હાઈટ સુધી માત્ર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લઈ શકાય એ માટે પાંચ બુમર ટાવર પૈકી ચાંદખેડા ફાયર સ્ટેશન ખાતે બે મહિના પહેલા બુમર ટાવરનુ વોટર મોનીટર જોઈન્ટમાંથી જ તૂટી પડતા અન્ય બુમર ટાવરના રીપ્લેશમેન્ટ માટે એજન્સીને તંત્ર તરફથી જાણ કરવામા આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

