શહેરના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બડોદરા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં સ્થાનિક પોલીસે દરોડો પાડીને રૂપિયા ૩૭ લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી. બડોદરા ગામમાં રહેતા બુટલેગરે ૩૧મી ડિસેમ્બર માટે ખુબ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો.

વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બડોદરા ગામમાં રહેતો ફિરોઝખાન બેલીમ નામના બુટલેગરે ૩૧મી ડિસેમ્બર માટે તેના ઘરડાઘર નામના ફાર્મમાં બહારથી દારૂ ભરેલો ટ્રક મંગાવ્યો છે. ફિરોઝખાન આ દારૂનો જથ્થો ટ્રકમાં ઉતારીને અન્ય વાહનમાં કંટીગ કરવામાં આવી રહી હોવાની બાતમી પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન બારીયાને મળી હતી. જેના આધારે શુક્રવારે રાતના સમયે દરોડો પાડયો હતો.પરંતુ, ટ્રક ડ્રાઇવર અને અન્ય લોકો ફરાર થઇ ગયા હતા. પોલીસને સ્થળ પરથી ટ્રકમાંથી પ-રૂપિયા ૩૭ લાખની કિંમતનો ૭૧૦૦ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ ટ્રકમાં દારૂ બોર્નવીટાના બોક્સના આડમાં લાવવામાં આવ્યો હતો. જે દારૂ ઉતારીને અમદાવાદમાં સપ્લાય કરવાનો હતો. પોલીસે ૭૮ લાખનો બોર્નવીટાનો જથ્થો પણ જપ્ત કર્યો છે. આમ, પોલીસે કુલ ૧.૩૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી છે.

