અમદાવાદના ભાડજ ચાર રસ્તા નજીક ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને કારના બોનેટ પર દોઢ કિલોમીટર સુધી ઢસડવાની ઘટના સામે આવી છે. નંબર પ્લેટ વગરની કાર રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કોન્સ્ટેબલ પર ગાડી ચઢાવીને તેમને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કર્યો હતો. સોલા પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે.

શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, બુધવારે (સાતમી જાન્યુઆરી) સાંજે એ-ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ભાડજ બ્રિજ નીચે રૂટિન વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન સાયન્સ સિટી તરફથી એક સફેદ રંગની કાર આવી રહી હતી, જેના પર નંબર પ્લેટ નહોતી. પોલીસે કાર રોકવાનો ઈશારો કરતા ચાલકે પહેલા સ્પીડ ધીમી કરી, પરંતુ પોલીસ નજીક આવતા જ કારમાં સવાર અન્ય શખસોની ઉશ્કેરણીથી કારચાલકે ગાડી ભગાવી હતી. ત્યારે કોન્સ્ટેબલ નરેન્દ્રએ કારને રોકવા પ્રયાસ કર્યો ત્યારે ચાલકે તેમના પર ગાડી ચઢાવતા તેઓ બોનેટ પર ફસાઈ ગયા હતા.
કોન્સ્ટેબલ બોનેટ પર લટકેલા હોવા છતાં, નિર્દય કારચાલકે કાર ઉભી રાખવાને બદલે એસ.પી. રિંગ રોડ તરફ પૂરપાટ ઝડપે દોડાવી હતી. પોલીસની અન્ય ટીમ અને રાહદારીઓએ કારનો પીછો કર્યો હતો. અંદાજે 1.5 કિ.મી. દૂર હેબતપુર બ્રિજ નજીક ટ્રાફિક જામને કારણે કાર ધીમી પડતા કોન્સ્ટેબલ નીચે પટકાયા હતા. સદનસીબે તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી અને મોટું જોખમ ટળ્યું હતું.
પોલીસે એક આરોપીની ધરપકડ કરી
ઘટના બાદ કારમાં સવાર શખસો ભાગવા લાગ્યા હતા, પરંતુ પોલીસે પીછો કરીને પ્રભુજી ઠાકોર નામના શખસને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં કારચાલકની ઓળખ ઇન્દ્રેશખાન પઠાણ તરીકે થઈ છે, જે હાલ ફરાર છે. સોલા પોલીસે ત્રણેય શખસો સામે હત્યાનો પ્રયાસ અને સરકારી ફરજમાં રુકાવટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

