અમદાવાદમાં SOGએ બોપલ વિસ્તારમાંથી હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો પકડ્યો છે. SOGએ વકીલ સાહેબ બ્રિજ પાસે આવેલા એક શોરૂમ પાસેથી હાઈબ્રિડ ગાંજા સાથે બે શખસોની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક આરોપી ફરાર છે. મહત્ત્વનું છે કે, પોલીસે 9,05,660 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, SOGની ટીમે બાતમીના આધારે ગત મોડી રાતે બોપલમાં ગાંજો વેચવાની ફિરાકમાં આવેલા શખસો સામે કાર્યવાહી કરી છે. આ રેડ દરમિયાન નારોલમાં રહેતો શિવમસિંહ ભદોરિયા અને શાસ્ત્રીનગરમાં હેમંતકુમાર દેસાઈ પાસેથી 258.76 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 9,05,660 રૂપિયા જેટલી છે.

આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે ગાંજા ઉપરાંત મોપેડ અને 5 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 9,79,790નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં બોપલનો રહેવાસી પૂર્વરાજસિંહ વાઘેલા હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
