ગુજરાતી ફિલ્મ ‘મિસરી’ની સ્ટારકાસ્ટ અભિનેતા રોનક, અભિનેત્રી માનસી પારેખ અને જાણીતા અભિનેતા ટીકુ તલસાણિયા ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદના જાહેર રસ્તા પર બાઈક સ્ટંટ કરવાના મામલે વિવાદમાં ફસાયા છે. આ ખતરનાક અને બેજવાબદાર સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ અમદાવાદ પોલીસે આખરે કાર્યવાહી શરૂ કરી છે. જોકે ફરિયાદમાં નામ લખવામાં આવ્યા નથી.

વીડિયો વાઈરલ છતાં પોલીસ કાર્યવાહીમાં વિલંબ પર સવાલ
કલાકારો દ્વારા જાહેર રસ્તા પર જીવ જોખમમાં મૂકીને કરવામાં આવેલા આ બાઈક સ્ટંટના વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ટીકા જગાવી હતી. જો કે, વીડિયો વાઈરલ થયાના સમય બાદ પણ તુરંત પોલીસ કાર્યવાહી ન થતાં લોકોએ સોશિયલ મીડિયા પર પોલીસની ઢીલી નીતિ અને બેદરકારી પર ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું હતું. લોકોના આ દબાણ અને સવાલો બાદ જ અમદાવાદ પોલીસ હવે હરકતમાં આવી હતી. ટ્રાફિક પોલીસે વાઈરલ વીડિયોના આધારે સ્ટંટ કરતા વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. જોકે આશ્ચર્યની વાત છે કે વીડિયોમાં ફિલ્મી કલાકારોના ચહેરા સ્પષ્ટ દેખાય છે છતાં પોલીસે ફરિયાદમાં નામ લખ્યા નથી.
હેલ્મેટ વગર એક્ટ્રેસે કર્યાં જોખમી સ્ટંટ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કલાકારો સ્પોર્ટ્સ બાઇક પર અત્યંત જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ હતી કે એક્ટ્રેસ માનસી પારેખ હેલ્મેટ પહેર્યા વગર ચાલુ બાઇકની પાછળ ઊભા થઈને સ્ટંટ કરી રહી હતીોતેમની સાથે અભિનેતા ટીકુ તલસાણિયા અને અભિનેતા રોનક પણ બાઇક પર સ્ટંટ કરતા દેખાયા હતા. જાહેર રસ્તા પર આ પ્રકારે સ્ટંટ કરીને કલાકારોએ માત્ર પોતાનો જીવ જ નહીં, પરંતુ અન્ય વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો
નોંધનીય છે કે,ફિલ્મના પ્રમોશનના નામે જાહેર સલામતીના જોખમને પોલીસે ગંભીરતાથી લીધું છે, પરંતુ શરૂઆતમાં કાર્યવાહી ન થવા પર ઉઠેલા સવાલો ચર્ચાનો વિષય બન્યા છે.
