અમદાવાદના વિવિધ રસ્તાઓ ઉપર ગાય સહીત રખડતા ઢોરને લઈ મ્યુનિસિપલ કમિશનર બુધવારે આકરા પાણીએ જોવા મળ્યા હતા.તેમણે સી.એન.સી.ડી.વિભાગના અધિકારીને કહયુ, રોડ ઉપર રખડતા ઢોર પકડવા તમારે ચશ્મા પહેરીને કામ કરવાની જરૃર છે. વિવિધ રોડ ઉપરથી રોજ તમારો વિભાગ કેટલા રખડતા પશુ પકડે છે તેનો સીધો રીપોર્ટ કમિશનરને મોકલી આપવા પણ તેમણે તાકીદ કરી હતી.

દિવાળીના તહેવારો પછી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામા વિવિધ વિભાગના અધિકારીઓની વીકલી રીવ્યુ બેઠક મળી હતી. થોડા દિવસ પહેલા કમિશનર ગોતા તળાવની મુલાકાતે ગયા હતા.જયાં તળાવમાં ગંદકી જોવા મળતા તેઓ ચોંકી ઉઠયા હતા. તળાવ સફાઈના વાર્ષિક કોન્ટ્રાકટ અપાય છે.ત્યારે સફાઈમા બેદરકારી દાખવનારા કોન્ટ્રાકટરોને કમિશનરે પેનલ્ટી કરવા સુચના આપી હતી.હેલ્થ વિભાગના ડેપ્યુટી કમિશનરે કહયુ, એક લાખ રૃપિયાની પેનલ્ટી ગોતા તળાવની સફાઈ સોંપાઈ છે એ કોન્ટ્રાકટરને કરાઈ છે. આ તબકકે કમિશનરે કહયુ, દાખલો બેસે એવી પેનલ્ટી કરો જેથી તમામ તળાવની યોગ્ય સફાઈ થાય. કોર્પોરેશન તેમને સફાઈની કામગીરી માટે મોટી રકમ ચૂકવે છે એ યાદ રાખજો.પૂર્વ અને દક્ષિણ ઝોનમાં મચ્છરજન્ય રોગના કેસ વધી રહયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમા લઈ કમિશનરે જે તે ઝોનના ડેપ્યુટી કમિશનરોને તાકીદ કરતા કહયુ હતુ કે,તમે ઝોનની કામગીરીમાં ધ્યાન આપો.

