મિડલ ઈસ્ટમાં યુદ્ધને પગલે ગેસના સિલિન્ડરની છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ખેંચતાણથી વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાયા છે. કેમકે, પીજી તરીકે રહેતા વિદ્યાર્થી-નોકરિયાતો જ્યા રહે છે, ત્યા નાના પાયે ચાલતા રસોડામાં કે પછી બહાર રેસ્ટોરન્ટમાં જમતા હોય છે. હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર નહીં મળતા હોવાથી તેમને પણ જમવાની મુશ્કેલી સર્જાઈ શકે છે.

‘જ્યાં સુધી ગેસ છે ત્યાં સુધી જમવાનું બનાવીશું’
અમદાવાદમાં હાલ 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ પીજીમાં રહે છે. જેમાંથી મોટાભાગના ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, વસ્ત્રાપુર અને શ્યામલ વિસ્તારમાં છે. હાલ આ પીજીમાં ગેસ સિલિન્ડરને લઈને કોઈ સમસ્યા સર્જાઈ નથી. પરંતુ તેના સંચાલકો અને પીજીમાં રહેતા લોકોમાં એક ચિંતા વ્યાપી ગઈ છે. બીજી તરફ વડોદરામાં પીજીના વિદ્યાર્થીઓ માટે નાના પાયે ચાલતા રસોડા બંધ થવાના આરે છે. કારણ કે તેમની પાસે ગેસ સિલિન્ડર નથી. કેટલાક પીજી સંચાલકો રસોડા ચલાવવા માટે કોલસાથી ચાલતી ભઠ્ઠી ખરીદવાની મથામણ કરી રહ્યા છે. તેઓ જે રેસ્ટોરન્ટમાં જમવા જાય છે ત્યાં પણ અનિશ્ચિતતાનો માહોલ છે. રેસ્ટોરન્ટના સંચાલકોએ વિદ્યાર્થીઓને કહી દીધું છે કે, ‘જ્યાં સુધી ગેસ છે ત્યાં સુધી જમવાનું બનાવીશું. પછી શું થશે તેની ખબર નથી.
‘કચ્છમાં ગેસ સિલિન્ડરની કૃત્રિમ અછત
ભુજ, ગાંધીધામ સહિત કચ્છમાં ગેસ સિલિન્ડરની કૃત્રિમ અછતના માહોલ વચ્ચે બે દિવસથી લોકોમાં ડર સર્જાયો છે. જ્યારે બાવડામાં પુરવઠા વિભાગે દરોડો પાડીને સંગ્રહખોરોનો પર્દાફાશ કર્યો હતો. ગાંધીધામમાં પણ ગેરકાયદે રિફિલિંગની પ્રવૃત્તિ પકડાઈ હતી અને 30 બાટલા કબજે કરાયા છે. ગાંધીધામમાં બીજા દિવસે ગેસ સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોની કતારો લાગી હતી. ઓનલાઇન બુકિંગ થતું ન હોવાથી લોકો વિતરક એજન્સીની બહાર લાઈનો લગાવી રહ્યા છે. ગેસના બાટલા નહીં મળે તેવી ભીતિથી હોટલ રેસ્ટોરન્ટના માલિકો પણ એડવાન્સમાં બોટલ મેળવવા ધંધે લાગ્યા છે.
સુરતમાં ગેસ સિલિન્ડર મેળવવા 500થી વધુ લોકોની લાઈન
રાંધણ ગેસનો પુરતો પુરવઠો હોવાની સરકારની જાહેરાત છતાં લોકોમાં ઉચાટ છે. ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા સુરતના કડોદરામાં ભારે અફરાતફરી મચાવી દીધી હતી. ભવિષ્યમાં ગેસની તંગી સર્જાશે તેવા ભયને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો જેને પરિણામે ગેસ એજન્સીઓ પર સિલિન્ડર મેળવવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
સબસિડીવાળા ગેસ બાટલાનો ખુલ્લેઆમ કોમર્શિયલ ઉપયોગ
વડોદરા શહેર તેમજ જિલ્લામાં ઘરગથ્થુ એલપીજી બોટલના બુકિંગ માટે લાંબી લાઈનો લાગી રહી છે. જ્યારે બીજી બાજુ લારીઓ પર ખુલ્લેઆમ ઘરગથ્થુ ગેસ બોટલોનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે. કેટલાક લોકો પાસે ગેસનો બોટલ હોવા છતાં તાત્કાલિક બીજો બોટલ મેળવવા માટે પ્રયત્નો કરવા લાગ્યા છે. જ્યારે કોમર્શિયલ ગેસ બોટલો પર નિયંત્રણોના કારણે તેનો સપ્લાય, વપરાશ ઘટ્યો છે.
ઉદ્યોગો સાથે હોટલ-રેસ્ટોરાંમાં શટડાઉન-લોકડાઉનની ચિંતા
રાજકોટમાં જરૂરી એલપીજી ગેસનો પુરવઠો નહીં જળવાતા યુદ્ધના એક સપ્તાહમાં જ હોટલ-રેસ્ટોરાંથી માંડીને અન્ય ઉદ્યોગો ઉપર સંકટ સર્જાઈ છે. રાજકોટમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વિતરણ ખોરવાતા હોટલ-રેસ્ટોરાંના સંચાલકોએ વિકલ્પમાં કોલસાના ચુલા લેવાનું શરૂ કરતા તેના ભાવ બમણા થઈ ગયા છે.
બરોડા મેડિકલ કોલેજની એક મેસ બંધ
સયાજી હોસ્પિટલ સાથે સંલગ્ન બરોડા મેડિકલ કોલેજની ન્યૂ બોયઝ હોસ્ટેલની મેસ ગેસ સિલિન્ડરના અભાવે મેચ બંધ કરવાનો વારો આવ્યો હતો. અહીંયા સવાર સાંજ થઈને 800 વિદ્યાર્થીઓ જમતા હતા. આ મેસ બંધ થતા તંત્રમાં દોડધામ થઈ ગઈ છે. મેડિકલ કોલેજના ડીન પ્રો. રંજન ઐયરે પુરવઠા વિભાગના અધિકારીઓ પાસે મેસ ચાલુ રાખવા માટે 200 ગેસ સિલિન્ડરની માગ કરી છે. સદનસીબે મેડિકલ કોલેજની બીજી બે મેસ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ હોવાથી હજી ચાલુ છે.
ઈલેક્ટ્રિક સગડીનું વેચાણ બમણું થયું
મીડિલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ગેસ સિલિન્ડર માટે મુશ્કેલી પડી રહી છે તેવામાં ઈલેક્ટ્રિક સગડીની માગમાં ઉછાળો આવ્યો છે. ઘરગથ્થુ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ હોવા છતાં લોકો તકેદારી માટે ઈલેક્ટ્રિક સગડી ખરીદી રહ્યા છે. વેપારી અલ્પેશભાઈનું કહેવું છે કે, ‘છેલ્લા બે દિવસમાં ઈલેક્ટ્રિક સગડીનું વેચાણ અને માગ બમણી થઈ ગઈ છે. વડોદરામાં ઘણાં વેપારીઓ પાસે હવે સ્ટોક નથી અથવા તો ગણતરીનો સ્ટોક જ બચ્યો છે.’

