ગુજરાત સહિત દેશભરમાં નાગરિકોને કોલ કરીને છેતરપિંડીનું સાયબર ક્રાઈમનું નેટવર્ક મ્યાનમારથી ચલાવવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ અગાઉ સી.બી.આઈ.ની તપાસમાં થઈ ચૂક્યો છે. સીબીઆઈની ટીમે હવે ઓનલાઈન ઠગાઈના કોલ કરવાનું નેટવર્ક ચલાવતી ટોળકી દ્વારા નોકરીના બહાને ગુજરાત રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી યુવકોને નોકરીના બહાને લઈ જઈ સાયબર ગુલામી કરાવતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. ઠગાઈ આચરવા માટે નોકરીના બહાને લઈ જવાયેલા યુવકોને પાસપોર્ટ પડાવી અને કોલ કરાવીને ગોંધી રાખવામાં આવતા હતા. યુવકોના હ્યુમન ટ્રાફિકીંગના કિસ્સામાં ગુજરાત અને રાજસ્થાનના બે એજન્ટને સીબીઆઈએ પકડયા છે.
મ્યાનમારથી ભારતમાં ઓનલાઈન ઠગાઈનું સુઆયોજીત નેટવર્ક ચાલે છે. ભારત સહિત વિશ્વના જુદા જુદા દેશોમાં ઓનલાઈન ઠગાઈના કોલ કરવા માટે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, કેરળ સહિતના રાજ્યોમાંથી યુવકોને નોકરી અપાવવાના બહાને મ્યાનમાર લઈ જવામાં આવે છે. મ્યાનમારમાં સાયબર ગુલામી કરાવતી ટોળકી માટે યુવકોને નોકરીના બહાને લઈ જતાં બે એજન્ટને સીબીઆઈએ પકડી પાડ્યાં છે. સીબીઆઈની ટીમે ગુજરાત અને રાજસ્થાનથી મોહીત ગીરી અને સોયલ અખ્તર નામના યુવકોને પકડી પાડ્યાં છે. આ બંને યુવકો ગુજરાત અને રાજસ્થાનથી મ્યાનમારમાં નોકરી અપાવવાના એજન્ટ તરીકે કાર્યરત હતાં.

સીબીઆઈ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઈમના ગુના ઉપર અંકુશ મેળવવા માટે ઊંડાણભરી તપાસ ચાલી રહી છે. તપાસમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, ગુજરાત સહિત દેશના એક ડઝન રાજ્યોમાંથી યુવકોને મ્યાનમારમાં નોકરી અપાવવાની લાલચ આપતા એજન્ટનું નેટવર્ક કાર્યરત છે. નોકરીવાંચ્છુ હજારો યુવકોને મ્યાનમાર લઈ જવાયા પછી પાસપોર્ટ કબજે કરી લેવામાં આવતાં હતાં. યુવકોને કોઈ એક જ સ્થળે ત્યાં ચલાવાતા કોલ સેન્ટર સાથે જ રહેણાંક હોય તેવા મકાનમાં ગોંધી રાખવામાં આવતાં હતાં.
ભારતથી હજારો યુવકોને ગોંધી રાખી સાયબર ગુલામી કરાવાતી હોવા સામે સીબીઆઈએ કાર્યવાહી આરંભી હતી. થાઈલેન્ડ થઈ મ્યાનમાર લઈ જવાયેલાં કુલ 467 યુવકોને ભારત પરત લાવવામાં કેન્દ્ર સરકાર સફળ રહી છે. મ્યાનમારના મે સોટ નામના શહેરમાં સાયબર ગુલામીમાં સપડાયેલાં વધુ 197 ભારતીય યુવકોને તાજેતરમાં ઈન્ડિયન એરફોર્સની ખાસ ફ્લાઈટમાં પરત લવાયાં છે.
પરત લવાયેલાં યુવકો પૈકીના અનેક યુવકોએ તેમને નોકરીના બહાને મ્યાનમાર લઈ જનારાં એજન્ટનો પર્દાફાશ કર્યો હતો. સી.બી.આઈ.ની ટીમે આ વિગતોના આધારે રાજસ્થાન અને ગુજરાતમાંથી યુવકોને સાયબર ગુલામી માટે લઈ જતાં બે એજન્ટ સોયલ અખ્તર અને મોહીત ગીરીને પકડી પાડ્યાં છે.ભારત સહિત અનેક દેશના નાગરિકોને ફોન કે વીડિયો કોલ કરીને સાયબર ચિટીંગના કારસ્તાન ચાલે છે તેના ઉપર જનોઈવઢ ઘા કરતાં સીબીઆઈએ આખા નેટવર્કને તોડી પાડવા માટે મ્યાનમારમાં ગોંધી રખાતાં યુવકોને મુક્ત કરાવવાનું અભિયાન આરંભ્યું છે.

