એરંડા ઉપર પ્રોસેસ કરીને રાઈઝીન ઝેર લોકોને મારી નાંખવાના મનસુબા સેવતા આતંકવાદી ડો. અહેમદ મોઉદ્દીન સૈયદ ઉપર સાબરમતી સેન્ટ્રલ જેલમાં ત્રણ કેદીઓએ હુમલો કરતાં ચકચાર મચી છે. ગુજરાત એટીએસએ પકડેલા ત્રણ આતંકવાદીઓ પૈકીના મુખ્ય સુત્રધાર અહેમદ ઉપર કેદીઓએ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી હતી. સાબરમતી નવી જેલમાં આજે સવારે સાત વાગ્યાના અરસામાં આતંકવાદી બેરેકમાં સૂતા હતા આ સમયે ત્રણ કેદી આવ્યા હતા અને માર મારીને નાસી ગયા હતા. જેમાં એક આતંકીને આંખમાં ગંભીર ઇજા થતાં લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓના રિમાન્ડ પૂરાં થતાં સોમવારે સાંજે કાચા કામના કેદીઓ રખાય છે તે નવી સાબરમતી જેલની સિક્યુરિટી બેરેકમાં રખાયાં હતાં તેના કલાકો પછી મંગળવારે સવારે આંચકારૃપ ઘટના બની હતી. જડબેસલાક સુરક્ષા દાવા વચ્ચે હુમલાની ઘટનાથી જેલમાં સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે. એટીએસના દસ દિવસના રિમાન્ડ પૂરા થતાંત્રણ આતંકવાદી ડો. અહેમદ મોઉદ્દીન અબ્દુલ કાદર જીલાણી (સૈયદ- ઉ.વ. ૪૦, રહે. હૈદ્રાબાદ) અને સોહેલ તથા આઝાદને સોમવારે મોડી સાંજે સાબરમતી નવી સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયાં હતાં. રાણીપ પોલીસ સ્ટેશનમાં અહેમદ જીલાણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, કાચા કામના કેદી તરીકે ત્રણેય લોકો બેરેકમાં હતાં. સવારે સાત વાગ્યાના અરસામાં અહેમદ જીલાણી બેરેકમાં બેઠાં હતાં તે સમયે એક દાઢીવાળો શખ્સ આવ્યો હતો. શ્યામ રંગનો આ શખ્સ બેરેકમાં આવ્યો ત્યારે અહેમદ પાસે સોહેલ અને આઝાદ ઊંઘી રહ્યાં હતાં. દાઢીવાળા શ્યામ રંગના શખ્સ અને તેની સાથે આવેલા બે શખ્સે આવીને ફેંટોથી માર મારવાનું શરૃ કર્યું હતું.

અહેમદ જીલાણી બેઠો હતો ત્યારે બેરેકમાં ઘુસી આવેલા ત્રણ શખ્સોએ ફેંટો મારતાં અહેમદને આંખમાં ઈજા પહોંચી હતી. અહેમદ જીલાણી જેલર સાબ… જેલર સાબ… એવી બૂમો પાડવા લાગતાં ત્રણેય હુમલાખોરો નાસી ગયાં હતાં. ફેંટો મારવામાં આવતાં અહેમદ જીલાણીની આંખમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેલ સ્ટાફ દોડી આવ્યો હતો. જેલ અને પોલીસના કર્મચારીઓ અહેમદ જીલાણીને આંખોમાંથી લોહી નીકળતી હાલતમાં એમ્બ્યુલન્સમાં બેસાડી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં અહેમદ જીલાણીની આંખની સારવાર કરવામાં આવી રહી છે.
એટીએસએ પકડેલાં અહેમદ જીલાણી ઉપર હુમલો કરનાર ત્રણ અજાણ્યા કેદીઓ સામે રાણીપ પોલીસે ગુનો નોંધ્યો છે. નવી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે સોમવારે સાંજે લવાયેલા ડો. અહેમદ જીલાણી ઉપર બેરેકમાં હુમલો કરવા અંગે ત્રણ અજાણ્યા કેદીઓ સામે ગુનો નોંધી તેમની ઓળખ મેળવવા રાણીપ પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવીના આધારે આરોપીની ઓળખ મેળવવા કાર્યવાહી કરાશે તેમ પોલીસ કહે છે. નવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદના આરોપસર લવાયેલા અહેમદ જીલાણી ઉપર અન્ય કેદી દ્વારા કરાયેલા હુમલાની જાણ થતાં જ એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓના અધિકારીઓ અને ટીમ દોડી ગયા હતા. અહેમદ જીલાણી ઉપર કોણે અને કયા કારણોસર હુમલો કર્યો તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
