પૂર્વ વિસ્તારમાં રિક્ષા ચાલકો દાદાગીરી કરીને નિર્દોષ લોકોને માર મારીને લૂંટી રહ્યા છે. લાંભામાં રહેતા યુવકને રિક્ષામાં બેસાડીને કલરકામ કરાવવાનું કહીને વટવા જશોદાનગર પાસે હોટલના રૃમમાં લઇ જઇ ગયો હતો. ત્યાં જઇ પેટ ઉપર છરી મૂકીને ડરાવીને મોબાઇલ પડાવીને ઓન લાઇન તથા રોકડ સહિત કુલ રૃા. ૯,૧૦૦ લૂંટી લીધા હતા. પોલીસ તપાસમાં યુવક મણિનગર ક્રોસિંગ પાસે રૃા. ૨૦ ભાડુ નક્કી કરીને રિક્ષામાં બેસીને આવ્યો હતો. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.લાંભામાં મંદિર પાછળ રહેતા યુવકે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે બે દિવસ પહેલા સાંજના સમયે મણિનગર ક્રોસિંગ પાસેથી સીટીએમ જવા માટે રૃા. ૨૦ ભાડુ નક્કી કરીને રિક્ષામાં બેઠા હતા.

રિક્ષા ચાલકે તમે શુ કામ કરો છો પૂછતા કલરકામનું કહેતા એક હોટલમાં કલરનું કામ કરવાનું કહીને વટવા જશોદાનગર પાસે આવેલ ન્યૂ રાજ હોટલના રૃમમાં લઇ ગયો અને પેટ ઉપર છરી મૂકીને તારી પાસે જે હોય તે આપી દે નહી તો છરી મારી દઇશ કહેતા ગભરાઇને યુવકે રોકડા રૃા. ૭૪૦૦ આપી દીધા બાદ મોબાઇલમાંથી રૃા. ૧૭૦૦ ટ્રાન્સફર કરાવી ધમકી આપીને રૃા. ૯,૧૦૦ની લૂંટ કરીને રિક્ષા ચાલક ભાગી ગયો હતો.
