અમદાવાદના વટવામાં એક યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ મામલો પ્રેમ પ્રકરણ અને લગ્નના મુદ્દે થયેલા વિવાદ બાદ આપઘાતના દુષ્પ્રેરણનો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસે યુવતીના પ્રેમી આબિદ શેખની ધરપકડ કરી છે, તે અગાઉ પણ દારૂના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

આરોપીને ત્રણ સંતાન હતા
મળતી માહિતી અનુસાર, પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક યુવતી અને આરોપી આબિદ વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. આબિદ વ્યવસાયે સિલાઈ કામ કરે છે અને તેનો સંપર્ક યુવતીની માતા દ્વારા થયો હતો, તે પણ એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હતા. યુવતી આબિદ સાથે લગ્ન કરવા માંગતી હોવાથી પરિવાર સાથે વિવાદ કરીને તે ઘર છોડીને વટવા વિસ્તારમાં ભાડાની ઓરડીમાં એકલી રહેવા ગઈ હતી. જોકે, આબિદ પરિણીત હતો અને તેને ત્રણ સંતાનો હતા, જેથી જ્યારે પણ યુવતી લગ્ન માટે દબાણ કરતી ત્યારે તે બહાના કાઢીને ના પાડી દેતો હતો.આ બાબતને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને આબિદ યુવતીને શારીરિક રીતે માર પણ મારતો હતો. યુવતીના આપઘાત કરતા પહેલા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. પોલીસને યુવતીના શરીર પર ઇજાના નિશાન અને હાથ પર બ્લેડ માર્યાના નિશાન મળી આવ્યા છે. હાલ પોલીસે એફએસએલ (FSL) અને નિષ્ણાતોની મદદ લઈને ગુનાના સ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે અને આરોપીના મોબાઈલ ફોન સહિતની ફોરેન્સિક વિગતોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

