અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે પ્રેમ સંબંધના વિવાદમાં હત્યાનો ગંભીર બનાવ બન્યો છે. જીઆઈડીસી વટવા પાસે આવેલા ત્રિકમપુરા કેનાલના પુલ નજીક યુવતીના ભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.

પ્રેમ સંબંધના દબાણમાં હત્યા
મળતી માહિતી અનુસાર, આરોપી અશ્વિન ઝાલા અને મૃતક મનિષ સુથારની બહેન વચ્ચે પ્રેમ સંબંધ હતો. આરોપી યુવતી પર પ્રેમ સંબંધ ચાલુ રાખવા માટે સતત દબાણ કરતો હતો. આ બાબતને લઈને જ બંને વચ્ચે વિવાદ થયો હોવાની આશંકા છે. આરોપી અશ્વિન ઝાલાએ મનિષ સુથારના મોઢા, ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેની હત્યા કરી હતી. હત્યા કર્યાં બાદ આરોપી અશ્વિન ઝાલા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.
પોલીસની ટીમો આરોપીને શોધવા મેદાને
હત્યાના બનાવની જાણ થતાં જ વટવા જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડ્યો છે અને મૃતક સાથે પ્રેમ સંબંધ ધરાવતી યુવતીની પણ પૂછપરછ કરી છે. આરોપી અશ્વિન ઝાલાને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે.

