AHMEDABAD : વટવા GIDC રોડ પર ભયાનક અકસ્માત, બેકાબૂ કાર ઝાડ સાથે અથડાતા યુવકનું ઘટનાસ્થળે જ મોત

0
18
meetarticle

વટવા GIDC રોડ પર કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.શહેરના વટવા GIDC રોડ પર આજે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી રોડ સાઈડના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મૃતક યુવકની ઓળખ આકાશ ગોસ્વામી તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, આકાશ પોતાની પત્નીને લેવા માટે બારેજડી જઈ રહ્યો હતો. પત્નીના ઘરે પહોંચે તે પહેલા જ રસ્તામાં આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કાર અત્યંત ઝડપે હતી અને અચાનક કાબૂ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી.ઝાડ સાથેની ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ફુરચા ઉડી ગયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ થવાના કારણે આકાશનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

ઘટનાની જાણ થતા વટવા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે આકાશના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પત્નીની રાહ જોઈ રહેલા આકાશના મોતના સમાચાર મળતા જ સ્વજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here