અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે વાસણા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સાથે વિશ્વાસઘાત કરી 51 ગ્રામ સોનાનો હાર લઈને ફરાર થઈ જનાર રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. ધાર્મિક બાધાના નામે મંદિરના સંચાલકોનો વિશ્વાસ જીતીને છેતરપિંડી આચરનાર આ ટોળકીનો એક સભ્ય હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

શું હતો સમગ્ર મામલો?
ગત 21 ડિસેમ્બર, 2025 ના રોજ વાસણા બસ સ્ટેન્ડ સામે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આ ઘટના બની હતી. આરોપીઓએ પોતાની ખોટી ઓળખ આપી મંદિરના સત્તાધીશોનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મારી દીકરીને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું હોવાથી ભગવાનને 51 ગ્રામનો સોનાનો હાર અર્પણ કરવાની બાધા રાખી છે.મંદિરના કોઠારીનો વિશ્વાસ જીતવા માટે આરોપીએ 6.51 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ત્યારબાદ, 21 ડિસેમ્બરે સોનાનો હાર અને કાનની બુટ્ટી મેળવ્યા બાદ, પત્નીને બતાવવા જઉં છું, તેમ કહીને આરોપી મંદિર પરિસરમાંથી રફુચક્કર થઈ ગયો હતો.
ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી અને ધરપકડ
વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે શૈલેષભાઈ છગનભાઈ ઉંધાડ (ઉં.વ. 43, રહે. ગલોલ, જેતપુર, રાજકોટ) ની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી સોનાનો હાર, બુટ્ટી, મોબાઈલ ફોન અને ટૂ-વ્હીલર સહિત કુલ 6.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં કલ્પેશ ઉર્ફે ભોડી વ્રજલાલ વોરા (રહે. બોરડી સમઢીયાળા, જેતપુર) હાલ ફરાર છે.
રાજ્યભરના સ્વામિનારાયણ મંદિરો હતા ટાર્ગેટ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી શૈલેષ ઉંધાડ રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ રાજકોટ, સુરત, પોરબંદર, ભાવનગર, વડોદરા, ભુજ અને મહેસાણા સહિતના શહેરોમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના અનેક ગુના નોંધાયેલા છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી રાજ્યભરના સ્વામિનારાયણ મંદિરોને ટાર્ગેટ કરવાની હતી. તેઓ શ્રદ્ધાળુ હોવાનો ઢોંગ કરી મંદિર મેનેજમેન્ટનો વિશ્વાસ જીતતા અને મોંઘી જ્વેલરી પડાવીને ફરાર થઈ જતા હતા. હાલમાં પકડાયેલા આરોપીને વધુ તપાસ માટે વાસણા પોલીસને સોંપવામાં આવ્યો છે અને ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.’
