અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારે પ્રચાર સાથે ઉદ્ઘાટન કરેલ સી પ્લેન પ્રોજેક્ટ આજે સંપૂર્ણ બંધ પડી ગયો છે. કરોડો રૂપિયા ખર્ચીને શરૂ કરાયેલ આ સેવા થોડા સમય ચાલ્યા બાદ ગાયબ થઈ ગઈ, રિવરફ્રન્ટ ખાતેનું એરોડ્રોમ બંધ છે અને પ્રોજેક્ટની હાલત વિશે કોઈ પારદર્શક માહિતી કે સમીક્ષા નથી. ચૂંટણીલક્ષી જાહેરાતો માટે ખૂબ રજૂઆત કરાયેલ આ પ્રોજેક્ટ હવે માત્ર જાહેર નાણાનો વેડફાટ બની ગયો છે, પરંતુ તેની જવાબદારી નક્કી કરવા સરકાર કોઈ પગલું લેતી નથી.
આજ રોજ પ્રધાનમંત્રીશ્રી ફરીથી ગુજરાત આવી રહ્યા છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરવા. આ પ્રોજેક્ટનો પ્રારંભિક અંદાજ લગભગ એક લાખ કરોડ રૂપિયા હતો, પરંતુ હવે તેનો ખર્ચ વધીને એક લાખ સાઠ હજાર કરોડ સુધી પહોંચી ગયો છે—દેશની ખજાનાને અંદાજે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનું વધારાનું ભારણ સહન કરવું પડ્યું છે. આવા જબરદસ્ત ખર્ચવધારે પાછળના કારણો, આયોજનની ખામીઓ અને જવાબદારીઓ અંગે દેશને સ્પષ્ટતા મળવી જોઈએ.

પ્રશ્ન એ છે કે જો બુલેટ ટ્રેનની સમીક્ષા સરકાર માટે એટલી જ અગત્યની છે તો પછી સી પ્લેન જેવી સંપૂર્ણ રીતે નિષ્ફળ થયેલી યોજનાની સમીક્ષા શા માટે નથી થતી? બુલેટ ટ્રેનના વધેલા ૬૦,૦૦૦ કરોડની પૂછપરછ કરવી યોગ્ય છે, પરંતુ સી પ્લેન પર ખર્ચાયેલા કરોડોની જવાબદારી લેવી એટલી જ જરૂરી છે. વિકાસના નામે કરવામાં આવતી જાહેરાતો અને ઉદ્ઘાટનો માત્ર ઇવેન્ટ મેનેજમેન્ટ બની જાય જો પ્રોજેક્ટો પૂર્ણ થયા વગર બંધ થઈ જાય અને જાહેર નાણા ક્યાં ગયા તેના જવાબો ન મળે.
વડાપ્રધાનશ્રીને ભારતના નાગરિક તરીકે અને ગુજરાતી તરીકે પ્રશ્ન છે કે જનતા હક્કથી જાણવા માંગે છે કે આ બે મોટા પ્રોજેક્ટોની પાછળની સચ્ચાઈ શું છે અને જાહેર નાણાનો હિસાબ કોણ આપશે?
વિકાસ શબ્દની સાચી વ્યાખ્યા પહેલાં જવાબદારી (Accountability) અને પારદર્શિતાથી (Transparency) જ શરૂ થાય છે.
REPORTER : હેમાંગ મહીપતરામ રાવલ

