અસલાલી વિસ્તારમાં વેપારીની BMW કારમાં રાખેલા રૂપિયા 5 લાખની રોકડ રકમ ભરેલો બેગ લઈને ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ફરાર થયેલા ડ્રાઇવરને ઝડપી પાડ્યો છે.અમદાવાદના અસલાલી વિસ્તારમાં એક વેપારીના વિશ્વાસનો ભંગ કરીને તેના ડ્રાઇવરે જ કારમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જોકે, અસલાલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ફરાર થયેલા ડ્રાઇવરને ઝડપી પાડ્યો છે.

ચોરીની આ ઘટના ગત દિવસોમાં બની હતી, જેમાં વેપારીની BMW કારમાં રાખેલા રૂપિયા 5 લાખની રોકડ રકમ ભરેલો બેગ લઈને ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે કેદ થઈ હતી. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપી ડ્રાઇવર દશરથ બારોટ વેપારીની BMW કારમાંથી રોકડ ભરેલો બેગ કાઢીને તેને અન્ય એક ગાડીમાં મૂકી દે છે. રોકડ રકમની હેરફેર કર્યા બાદ આરોપી ડ્રાઇવર દશરથ બીજી કાર લઈને માલિકની જાણ બહાર ઘટનાસ્થળેથી ફરાર થઈ જાય છે. આરોપી ડ્રાઇવર દશરથ બારોટ વેપારી જોડે છેલ્લા સાત મહિનાથી નોકરી કરતો હતો.
વેપારીએ આ અંગે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી ડ્રાઇવર દશરથ બારોટની ધરપકડ કરી લીધી છે. પોલીસની પૂછપરછમાં આરોપી દશરથ બારોટે કબૂલાત કરી હતી કે તેણે દેવું થઈ જતાં આ ચોરીને અંજામ આપ્યો હતો. અસલાલી પોલીસે ડ્રાઇવર દશરથ બારોટની ધરપકડ કરીને તેની પાસેથી ચોરીની રકમ રિકવર કરવાની અને આ મામલે વધુ કોઈ સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરી છે.

