તહેવારોના સમયમાં ઓનલાઈન શોપિંગના વધારા સાથે સાયબર ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. સાયબર ગુનેગારોએ લોકોને છેતરવા માટે એક નવી ‘ફિશિંગ’ પદ્ધતિ અપનાવી છે, જેમાં ‘સરનામું અપડેટ કરો, નહીં તો ઓર્ડર રદ થશે’ તેવા મેસેજ દ્વારા ગ્રાહકોને ટાર્ગેટ કરવામાં આવે છે.
તાજેતરમાં એક શિક્ષકને એમ-કોમર્સ પોર્ટલ પરથી ખરીદી કર્યા બાદ અજાણ્યા નંબર પરથી મેસેજ મળ્યો હતો કે, “૧૨ કલાકમાં તમારો ઓર્ડર પરત મોકલી દેવામાં આવશે, સરનામું અપડેટ કરવા માટે લિંક પર માત્ર રૂ. ૧૦ નું પેમેન્ટ કરો.”

સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે આ લિંકનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે, આ એક સંપૂર્ણ ફિશિંગ વેબસાઇટ છે. તેમાં ગ્રાહકનો વિશ્વાસ જીતવા માટે ભારતીય પોસ્ટના લોગોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, અને ડેબિટ/ક્રેડિટ કાર્ડની વિગતો દાખલ કરવાના ફોર્મમાં કોઈ સલામતી નથી. ગુનેગારો નાની રકમનું બહાનું આપીને લોકોની બેન્કિંગ વિગતો ચોરી બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.
સાયબર ફ્રોડથી બચવા કોઈપણ જાણીતી કંપની કે કુરિયર સર્વિસ અજાણ્યા વ્યક્તિગત મોબાઇલ નંબર પરથી કે રૂ. ૧૦ જેવી ફી માંગીને સરનામું અપડેટ કરવા મેસેજ કરતી નથી. ‘૧૨ કલાકમાં’, ‘તરત જ’ જેવા શબ્દોનો ઉપયોગ તમને ગભરાવીને નિર્ણય લેવા માટે મજબૂર કરે છે. “એસએમએસ” માં આપેલી લિંક પર ક્લિક કરવાને બદલે, હંમેશા ઓર્ડર કરેલ ઓફિશિયલ એપ્લિકેશન પર જ સ્ટેટસ તપાસો. અજાણી લિંક કે વેબસાઇટ પર ક્યારેય તમારી નાણાકીય વિગતો, OTP કે UPI PIN દાખલ ન કરો.
ફ્રોડ થાય તો તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ‘૧૯૩૦’ પર ફોન કરો અથવા ભારત સરકારના સાયબર ક્રાઇમ પોર્ટલ www.cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો. બેંકનો સંપર્ક સાધી કાર્ડ બ્લોક કરાવી દો અને કોલ/મેસેજની માહિતી “ચક્ષુ પોર્ટલ” પર નોંધાવો.
