વિશ્વભરમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામના યુઝર્સ માટે સુરક્ષાને લઈને અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સાયબર સિક્યોરિટી ફર્મ ‘માલવેર બાઈટ’ના તાજેતરના રિપોર્ટ અનુસાર, અંદાજે 1.75 કરોડ ઇન્સ્ટાગ્રામ યુઝર્સનો અંગત ડેટા લીક થયો છે અને હાલમાં તે ઇન્ટરનેટના કાળા બજાર ગણાતા ‘ડાર્ક વેબ’ પર વેચાઈ રહ્યો છે. ‘સોલોનિક’ નામના હેકરે વર્ષ 2024ના અંતમાં સિસ્ટમની ટેકનિકલ ખામીનો લાભ લઈ આ ડેટા ચોર્યો હોવાનું બહાર આવ્યું છે.

શું લીક થયું અને કેવી રીતે?
લીક થયેલા ડેટામાં યુઝર્સના નામ, પૂરું નામ, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, યુઝર આઈડી અને ભૌતિક સરનામાના અમુક ભાગોનો સમાવેશ થાય છે. આ મામલે મેટા (Meta) એ સ્પષ્ટતા કરી છે કે તેમના સર્વરમાં કોઈ સીધું હેકિંગ થયું નથી, પરંતુ API (એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ) માં રહેલી ખામીનો ઉપયોગ કરીને ડેટા ‘સ્ક્રેપ’ એટલે કે ખેંચી લેવામાં આવ્યો છે. આ ડેટાનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો યુઝર્સને છેતરવા માટે જાળ બિછાવી શકે છે.
સાયબર એક્સપર્ટની ચેતવણી અને સંભવિત જોખમો
અમદાવાદના જાણીતા સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે આ મામલે ત્રણ મુખ્ય જોખમો દર્શાવ્યા છે:
ફિશિંગ એટેક:
યુઝર્સને નકલી ઈમેલ કે મેસેજ મોકલી લિંક પર ક્લિક કરાવી પાસવર્ડ ચોરી શકાય છે.
આઇડેન્ટિટી ચોરી:
તમારી વિગતોનો ઉપયોગ કરી તમારા નામે નકલી એકાઉન્ટ્સ ઊભા થઈ શકે છે.
એકાઉન્ટ હેકિંગ:
પાસવર્ડ રીસેટ કરવાની કોશિશ કરીને હેકર્સ તમારા એકાઉન્ટમાં ઘૂસણખોરી કરી શકે છે.
તમારા એકાઉન્ટને કેવી રીતે સુરક્ષિત કરશો?
મયુર ભુસાવળકરે યુઝર્સને તાત્કાલિક નીચે મુજબના ચાર સુરક્ષા પગલાં લેવા સૂચન કર્યું છે:
ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA):
સેટિંગ્સમાં જઈને આ ફીચર તુરંત એક્ટિવેટ કરો, જેથી કોઈ પણ લોગ-ઈન પ્રયાસ વખતે તમારા ફોન પર OTP આવે.
મજબૂત પાસવર્ડ:
નામ કે મોબાઈલ નંબરને બદલે આંકડા, સ્પેશિયલ કેરેક્ટર અને અક્ષરોના મિશ્રણવાળો અટપટો પાસવર્ડ રાખો.
લોગ-ઈન એક્ટિવિટી ચેક કરો:
ઇન્સ્ટાગ્રામ સેટિંગ્સમાં ‘Security’ અને ‘Login Activity’ માં જઈ તપાસો કે તમારું એકાઉન્ટ કોઈ અજાણ્યા શહેરમાં કે ઉપકરણમાં ચાલુ તો નથી ને?
શંકાસ્પદ લિંક્સથી દૂર રહો:
પાસવર્ડ બદલવા માટે આવતા કોઈ પણ અજાણ્યા ઈમેલ કે SMS પર વિશ્વાસ ન કરો અને હંમેશા અધિકૃત એપનો જ ઉપયોગ કરો.
સદનસીબે, આ લીકમાં પાસવર્ડ સીધા ચોરાયા નથી, પરંતુ લીક થયેલી માહિતીનો ઉપયોગ કરીને હેકર્સ તમારા એકાઉન્ટ સુધી પહોંચી શકે છે, તેથી સાવચેતી જ શ્રેષ્ઠ સુરક્ષા છે.

