સિંધુભવન રોડ ઉપર ચાલી રહેલા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગના કર્મચારીઓ સફાઈની તપાસ અને વ્યવસ્થા જોવા માટે નીકળ્યા હતા.આ સમયે રુપિયા ૨.૫૬ લાખની કિંમતનુ સોનાનુ મળેલુ મંગળસૂત્ર મૂળ માલિકને પરત કરાતા તેમણે રાહતનો શ્વાસ લીધો હતો.

અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલમાં સિંધુભવન રોડ મહત્વના સ્પોટ તરીકે મનાઈ રહયો છે. સોમવારે ઉત્તર-પશ્ચિમ ઝોન ટેકસ વિભાગના કર્મચારી નિલકંઠપુરી ગૌસ્વામી અને હેતલબેન છોટીયા વ્યવસ્થા જોવા નીકળ્યા એ સમયે સોનાનુ મંગળસૂત્ર મળી આવતા તેમણે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હાર્દિક ઠાકોરને જાણ કરી હતી.જે પછી સી.સી.ટી.વી.કેમેરા ચેક કરાયા હતા.પરંતુ મૂળ માલિક સુધી પહોંચવુ શકય બન્યુ નહોતુ.અંતે હેલ્પડેસ્કના રજિસ્ટરમાં રહેલી મંગળસૂત્રની નોંધના આધારે મૂળ માલિક સુધી પહોંચી રાતે બાર કલાકે મંગળસૂત્ર મુળ માલિકને પરત કરાયુ હતુ.તેમણે કોર્પોરેશનના કર્મચારીઓનો આભાર માન્યો હતો.

