AHMEDABAD : સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્યા

0
30
meetarticle

અમદાવાદ શહેરમાં સાયબર ઠગોએ હવે ભણેલા-ગણેલા વર્ગને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના એક આસિસ્ટન્ટ પ્રોફેસરને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી ઠગ ટોળકીએ 70.65 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં નફો આપી બાદમાં મોટી રકમનું રોકાણ કરાવી વેબસાઈટ અને આઈડી બદલી નાખી ઠગાઈ કરવામાં આવી હતી.

મલતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ સિવિલમાં ફરજ બજાવતા 39 વર્ષીય પિયુષ કૃષ્ણમુરારી માલવે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જૂન 2025માં ટેલિગ્રામ પર શેરબજારની એક જાહેરાત જોતી વખતે પિયુષભાઈનો સંપર્ક ‘સંજના’ નામની વ્યક્તિ સાથે થયો હતો. પિયુષભાઈને ટ્રેડિંગમાં રસ હોવાથી ઠગે તેમને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી મોટી કમાણી કરવાની લાલચ આપી જાળમાં ફસાવ્યા હતા.

ઠગોએ પહેલા એક લિંક મોકલી આધાર અને પાન કાર્ડ દ્વારા વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું. ત્યારબાદ શરૂઆતમાં પિયુષભાઈનો વિશ્વાસ જીતવા માટે ઠગોએ 27,285 અને 85,000 રૂપિયાનો નફો તેમના ખાતામાં જમા કરાવ્યો હતો. રોકાણ કરવા માટે પ્રોફેસરને ટેલીગ્રામ ચેટ દ્વારા અલગ-અલગ બેન્ક ખાતાની વિગતો મોકલવામાં આવતી હતી. 27-6-2025થી 16-7-2025 સુધીમાં તેમની પાસે 17,65,000 અને ત્યારબાદ 17-7-2025થી 1-8-2025 દરમિયાન બીજા 53,00,000 એમ કુલ 70,65,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. વેબસાઈટ પર તેમને 2,35,664 યુએસ ડૉલરનો નફો થયો હોવાનું આભાસી ચિત્ર બતાવવામાં આવતું હતું.

જ્યારે પિયુષભાઈએ પોતાનો નફો અને મુદલ રકમ ઉપાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઠગોએ ઈન્કમ ટેક્સ ભરવાના બહાને વધુ નાણાંની માંગણી કરી હતી. આ સમયે તેમને શંકા ગઈ અને તપાસ કરતા જાણવા મળ્યું કે જે ટેલિગ્રામ આઈડી (Darwinex Global CS) અને વેબસાઈટ દ્વારા તેઓ રોકાણ કરતા હતા તે બદલાઈ ગયા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here