AHMEDABAD : સુભાષબ્રિજનો કેટલોક ભાગ બેસી જતા પાંચ દિવસ વાહન વ્યવહાર માટે બંધ

0
58
meetarticle

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા ગુરુવારે બપોરે  ૫૨ વર્ષ જુના એવા સુભાષબ્રિજનો કેટલોક ભાગ બેસી ગયો હોવાની તંત્રને જાણ કરવામા આવતાની સાથે મોટી દુર્ઘટના બનતી ટાળવા માટે  પાંચ દિવસ બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહન વ્યવહારને  બંધ કરવાનો નિર્ણય લેવામા આવ્યો હતો.  સુભાષબ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરવામા આવતા સાંજના સમયે વાડજથી સુભાષ બ્રિજ તરફ જતા અને શાહીબાગ ડફનાળાથી સુભાષબ્રિજ તરફ જતા રસ્તાઓ ઉપર ટ્રાફિક જામમા વાહન ચાલકો અટવાયેલા જોવા મળતા હતા.

કોર્પોરેશન તરફથી શહેરના અલગ અલગ બ્રિજનુ ચોમાસા પહેલા ઈન્સપેકશન કરવામાં આવ્યુ હતુ. ચોમાસુ પુરુ થયા પછી શરુ કરવામા આવેલા અલગ અલગ બ્રિજના ઈન્સપેકશન  દરમિયાન  ગુરુવારે બપોરે સુભાષબ્રિજનો કેટલોક ભાગ બેસી ગયો હોવાની તંત્રને જાણ કરવામાં આવતા  લોકોની સલામતી અને સુરક્ષાની બાબતને ગંભીરતાથી  ધ્યાનમાં લઈ આ બ્રિજ પાંચ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામા આવ્યો હોવાનુ બ્રિજ વિભાગના જિજ્ઞોશ શાહે કહયુ હતુ. સુભાષબ્રિજ લોકોની અવરજવર માટે એકાએક બંધ કરી દેવાતા વાડજથી સુભાષબ્રિજ તરફ જતા વાહન ચાલકો રસ્તામાં ભારે ટ્રાફિક જામ  થવા પામ્યો હતો. આ ઉપરાંત સુભાષ બ્રિજ, આર.ટી.ઓ.સર્કલ પાસે પણ સાંજના સમયે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આજ પરિસ્થિતિ શાહીબાગ ડફનાળા સર્કલ આસપાસના વિસ્તારમાં જોવા મળી હતી.કોર્પોરેશન તરફથી ગુરુવારે છેક મોડી સાંજે સુભાષબ્રિજ પાંચ દિવસ માટે બંધ કરાયો હોવાની જાહેરાત કરતા લોકોને વૈકલ્પિક માર્ગ તરીકે દધીચી બ્રિજનો ઉપયોગ કરવા સુચના આપી હતી.

કેટલુ અને કેવુ સમારકામ કરવુ પડશે તે ઈન્સપેકશન પછી જ ખબર પડી શકે

મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી  સુભાષબ્રિજનો કેટલોક ભાગ બેસી ગયો હોવાની જાણ કરાતા પાંચ દિવસ ઈન્સપેકશન માટે બંધ કરવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. બ્રિજ પ્રોજેકટ વિભાગના અધિકારીના કહેવા મુજબ,આ બ્રિજ ઉપર કયાં અને કેટલુ સમારકામ કરવુ પડે એમ છે તે ઈન્સપેકશનનો રીપોર્ટ આવ્યા પછી જ ખબર પડી શકશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here