અમદાવાદની મણિનગર વિસ્તારની સેવેન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવાયા બાદ ત્યાં પ્રથમ વખત ભવ્ય સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે ખાસ ‘કેરિયર કાઉન્સિલિંગ’ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અમુલ ભટ્ટ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ ખાસ હાજરી આપી હતી. શાળાના સંચાલનમાં આવેલા પરિવર્તન બાદ આ પ્રકારના શૈક્ષણિક આયોજનથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સેમિનારનો મુખ્ય હેતુ પરીક્ષાના તણાવ વચ્ચે વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત કરવાનો અને તેમને ભવિષ્યના ક્ષેત્રો વિશે સચોટ માહિતી આપવાનો હતો. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના 60 જેટલા કેરિયર એક્સપર્ટ્સ હાજર રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને તેમની રુચિ મુજબના અભ્યાસક્રમો અને રોજગારીની તકો વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને યોગ્ય દિશા મળી રહે તે માટે સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય રહ્યો હતો.
