ઔડા દ્વારા શેલા વિસ્તારમાં રુપિયા ૩૦ કરોડના ખર્ચથી ૩૦ મીટર પહોળા રોડને આધુનિક સ્વરૃપ આપવામા આવી રહયુ છે.સ્કાય સિટી જંકશનથી કલબ-૦૭ પાસે થઈ તળાવ તરફ જતા રસ્તાને ફોરલેન બનાવવાની સાથે પાર્કિંગ, સ્ટ્રીટ લાઈટ તથા વૃક્ષારોપણ સહિતની સુવિધા સાથે ડેવલપ કરવા કોન્ટ્રાકટર રુતવી કન્સ્ટ્રકશનને કામ અપાયુ છે.જુન-૨૦૨૬ સુધીમાં આ રોડ તૈયાર થઈ જશે.

શેલા વિસ્તારની સાથે શેલા-મણીપુર અને ગોધાવી વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી પણ શેલામા રોડ ડેવલપ કરવાના પ્રોજેકટ સાથે શરુ કરવામા આવી હતી.સ્કાય સિટી જંકશનથી કલબ-૦૭ સામેના શેલા તળાવ થઈ એક કંપની દ્વારા વિકસિત મોટા તળાવ તરફ જતા રસ્તા ઉપર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી શરુ કરવામા આવી છે.કલબ-૦૭ સુધી પાઈપ લાઈન નાંખવાની કામગીરી પુરી કરાઈ છે.રોડ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે.આ કામગીરી મે-૨૬ સુધીમાં પુરી કરાશે.આ બંને પ્રોજેકટ પુરા થયા પછી શેલા વિસ્તારમા આ રોડ ઉપરની સોસાયટીઓમા વસતા લોકોને ડેવલપ રોડ ઉપરાંત સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની કામગીરી પુરી થયા પછી ચોમાસમા વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી મુકિત મળે એવી સંભાવના છે.
૨૪.૩૦ કિ.મી.સ્ટ્રોમ વોટર નેટવર્ક નાંખવામા આવશે
ઔડા દ્વારા શેલા ઉપરાંત મણિપુર,ગોધાવી, સનાથલ અને તેલાવ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ નાંખવા રુપિયા ૧૦૦ કરોડનુ ટેન્ડર કરાયુ છે. આ પ્રોજેકટમાં કુલ ૨૪.૩૦ કિલોમીટર સ્ટ્રોમ વોટર નેટવર્ક નાંખવામા આવશે.૬૦૦થી ૨૨૦૦ મીમી વ્યાસની પાઈપ લાઈન નાંખવાની કામગીરી હાલમા ચાલી રહી છે.વરસાદી પાણીના સુચારુ નિકાલ માટે ચાર સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવાશે.જેના દ્વારા આસપાસના તળાવોને ઈન્ટરલિંક કરી ગોતા-ગોધાવી કેનાલ સાથે કનેકટીવીટી અપાશે.
