રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ ‘હું નથુરામ’ નાટકને લઈને વિવાદ વકર્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્વાણ તિથિના માસમાં જ આ નાટકનું આયોજન થતાં કોંગ્રેસ પક્ષની પાંખ NSUI અને યુથ કોંગ્રેસ મેદાને આવી છે. અમદાવાદના બોડકદેવ અને સિંધુભવન રોડ જેવા વિસ્તારોમાં આ નાટક સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ક્યાં થવાનો છે કાર્યક્રમ?
આજે 9 ફેબ્રુઆરીના રોજ સિંધુભવન રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આ નાટક ભજવવાનું આયોજન છે. આ અગાઉ NSUIના કાર્યકરોએ ઓડિટોરિયમની આસપાસની જાહેર દીવાલો પર ‘ગોડસે મુર્દાબાદ’ અને ‘ગાંધીજી અમર રહો’ જેવા સૂત્રો લખી પોતાનો રોષ ઠાલવ્યો હતો. કાર્યકરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે ગાંધીની ભૂમિ પર ગોડસેના મહિમામંડન સમાન નાટક ચલાવી લેવામાં આવશે નહીં. વિરોધ દરમિયાન નથુરામ ગોડસેના ફોટા પર કાળી શાહી લગાવીને પ્રતીકાત્મક વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો.ટિકિટો ઓનલાઇન વેચાઈ રહી છે…
હાલમાં આ નાટકની ટિકિટો ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાઈ રહી છે, પરંતુ NSUI દ્વારા આ પ્રદર્શનને રોકવાની પ્રબળ માંગ કરવામાં આવી રહી છે. અગાઉ સૌરાષ્ટ્રના શહેરોમાં થયેલા વિરોધ પ્રદર્શનની જેમ જ અમદાવાદમાં પણ આવતીકાલે નાટક દરમિયાન હંગામો થવાની પૂરી શક્યતા છે. યુથ કોંગ્રેસ અને NSUIના આક્રમક વલણને જોતાં કાર્યક્રમ સ્થળે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવે તેવી પણ શક્યતા છે.
