અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન રોજ ૧૭૨૫ મિલિયન લીટર પાણી શહેરીજનો સુધી પહોંચાડે છે.બીજી તરફ એક નરવી વાસ્તવિકતા એ છે કે, શહેરના ૧૩ વોર્ડમાં પાણી પહોંચાડવા માટે નેટવર્કનો અભાવ હોવાના કારણે વિવિધ વોર્ડમાં ચલાવવામા આવતા ૩૧૯ બોર બંધ કરવાનુ આયોજન પડતુ મુકવાની તંત્રને ફરજ પડી છે. કોર્પોરેશને તેના જ રીપોર્ટમાં આ બાબતનો સ્વીકાર કર્યો છે.વર્ષ-૨૦૨૪-૨૫માં રુપિયા ૫૪૪.૯૪ કરોડ કોર્પોરેશને શહેરમા નવા ઉમેરાયેલા વોર્ડ વિસ્તારોમાં વોટર સપ્લાય ઈન્ફ્રાસ્ટ્રકચર નેટવર્ક મજબૂત કરવા પાછળ ખર્ચ કર્યા પછી આ સ્થિતિ છે.

શહેરના ખાડીયા વોર્ડમાં રાજા મહેતાની પોળ, પતાસાપોળ,બાલાહનુમાન,સાંકડીશેરી ઉપરાંત કટકીયા વાડ તથા પાંચકુવા દરવાજા આસપાસના વિસ્તારમાં ઘણાં વર્ષોથી છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચતુ નહીં હોવાથી આ તમામ વિસ્તારમા રહેતા રહીશોને પાણી પહોંચાડવા બોર ચલાવવા પડે છે.કોર્પોરેશનનો સપ્લાય શરુ થાય તે સાથે જે તે વિસ્તારના બોર ચાલુ કરવામા આવે છે.જેથી પાણીને ધકકો વાગવાથી તે જે તે વોર્ડના છેવાડાના ભાગ સુધી રહેતા લોકો સુધી પહોંચી શકે.તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને શહેરમાં ચલાવવામા આવતા બોર બંધ કરી પાણી નેટવર્કથી આપવા સુચના આપી હતી. જે પછી કોર્પોરેશન તરફથી સર્વે કરવામા આવ્યો હતો.જેમાં ૪૮ વોર્ડમાં કુલ મળીને ૩૧૯ બોર દ્વારા પાણીનો પુરક સપ્લાય આપવામા આવતો હોવાનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. ઉપરાંત કયા કારણથી જે તે વિસ્તારમાં બોર ચલાવવા પડે છે તેનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે.જે તે વોર્ડના છેવાડાના ભાગ સુધી પાણી પુરતા પ્રેશરથી પહોંચાડવા અને બોરથી પાણી સપ્લાય આપવાનુ બંધ કરવા માટે પહેલા તો જે વિસ્તારમાં પાણી પહોંચાડવા નેટવર્ક નથી ત્યાં નેટવર્ક સ્થાપવુ પડે.જેને માટે ઘણી મોટી રકમનો ખર્ચ કરવો પડે તેમજ સમય પણ ઘણો જાય એમ હોવાથી ૩૧૯ બોર બંધ નહીં કરવા પુરી થયેલી ટર્મ પહેલા પાણી સમિતિમાં નિર્ણય કરવો પડયો.

