અમદાવાદના રસ્તાઓ ઉપર દોડતી બે લાખ જેટલી ઓટી રિક્ષાની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી મુસાફરો અને પ્રજાજનો જોઈ શકે તે પ્રકારે રિક્ષાની આગળ અને પાછળના ભાગે હૂડમાં સ્ટીકર લગાવવા પોલીસ કમિશનરે આદેશ કર્યો છે. તમામ પોલીસ સ્ટેશનોને કરેલા આદેશમાં જણાવાયું છે કે, પ્રજાની સલામતી માટે પંદર દિવસમાં ઓટો રિક્ષાઓમાં સ્ટીકર લગાવવામાં આવે તેનો અમલ કરાવવો. મહિલાઓ સાથે ચોરી-લૂંટના બનાવો બને છે, ત્યારે પ્રજાની સલામતી માટે પોલીસ સ્ટેશનના રજીસ્ટરમાં નોંધણી કરાવી હોય તેના નંબર, પોલીસ સ્ટેશનનું નામ અને અમદાવાદ શહેર પોલીસ ડાયલ નંબર 112નું લખાણ હોય તેવા સ્ટીકરો લગાવવા અમલવારી કરાવવી. બે લાખથી વધુ રિક્ષામાં 10 લાખથી વધુ લોકો દરરોજ મુસાફરી કરે છે ત્યારે સુરક્ષા માટે આદેશ કરાયો છે.

સુરક્ષા માટે પોલીસ કમિશનરનો આદેશ
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 28મી ઓક્ટોબરે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં લખાયું છે કે, અમદાવાદમાં ઓટો રિક્ષામાં મુસાફરી કરતાં સિનિયર સિટીઝન, મહિલાઓ સહિતના મુસાફરો સાથે ચોરી, લૂંટ અને બળજબરીપૂર્વક વસ્તું કઢાવી લેવાના બનાવો બન્યાં છે. બહારના જિલ્લા અને રાજ્યના મુસાફરો મોડી રાત્રે કે વહેલી સવારે આવતાં હોય છે તેમની સાથે આવા બનાવો બન્યાં છે તે અટકાવવા જરૂરી છે. આવા બનાવો અટકાવી અને બનાવ બને તો આરોપી તરત શોધી શકાય તે હેતુંથી ઓટો રિક્ષાને ઓળખી કાઢવા લગાવવા જરૂરી છે.
અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનમાં ઓટો રિક્ષાની એક રજીસ્ટર બનાવીને તેમાં નોંધણી કરવાની રહેશે. પોલીસ સ્ટેશનના રજીસ્ટરમાં નોંધણી થઈ હોય તો સિરિયલે નંબર ઉપરાંત પોલીસ સ્ટેશનનું નામ અને અમદાવાદ શહેર પોલીસડાયલ નંબર 11 લખાણવાળું 10 ઇંચ બાય 6 ઇંચનું સ્ટીકર રિક્ષાચાલકે બનાવવાનું રહેશે. આ સ્ટીકર ઓટો રિક્ષાની આગળના ભાગે ડાબી બાજુ ઉપર અને બીજુ સ્ટીકર પાછળના ભાગે હૂડ ઉપર લગાવવાનું રહેશે. આથી કોઈ ગુનો બને ત્યારે તેને ઉકેલવા, આરોપીને પકડી પાડવા માટે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે ત્યારે સ્ટીકર ઉપર લખેલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સિરિયલ નંબરથી ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા અંગેની જાણકારી તરત મળી રહે.પોલીસ કમિશનરના આદેશમાં શહેરના તમામ પોલીસ સ્ટેશનનો તાકીદ કરાઈ છે. સ્થાનિક ઓટો રિક્ષા એસોસિયેશન અને ઓટો રિક્ષાના માલિકોના સંપર્ક કરાને તેમજ લોકભાગીદારીથી સમગ્ર શહેરમાં ઓટો રિક્ષાની નોંધણી અને સ્ટીકર લગાવવાની કામગીરી પંદર દિવસમાં પૂર્ણ કરવાની જવાબદારી જે-તે ઝોન ડીસીપીએ કરાવવાની રહેશે. પોલીસ સ્ટેશનોએ નોંધણી સમયે ઓટો રિક્ષાના રજીસ્ટ્રેશન નંબર, એન્જિન નંબર, ચેસીસ નંબર, ઓટો રિક્ષા માલિક તેમજ તેને ચલાવતા કે ભાડે આપનાર વ્યક્તિના નામ, સરનામા, મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી નોંધવા ફરજિયાત છે.
નોંધનીય છે કે,અમદાવાદમાં દર મહિને ઓટો રિક્ષામાં મુસાફરોને લૂંટી લેવાના કે વસ્તુ ચોરી લેવાના 50થી વધુ બનાવો બને છે તેમાંથી માંડ 10-20 ટકામાં ફરિયાદો નોંધાય છે. અમદાવાદમાં બે લાખથી વધુ ઓટો રિક્ષાઓ છે તેમાંથી એક લાખ ભાડેથી ફેરવવા માટે અપાય છે.
આર.ટી.ઓ.માં દર વર્ષે અપડેટ થતો રિક્ષાનો ડેટા પોલીસ પાસે હોવા છતાં નાહક પરેશાની
પોલીસ કમિશનરે કરેલાં આદેશના ઘેરા પ્રત્યાઘાત રોજીરોટી માટે જ રિક્ષા ચલાવતાં રિક્ષાચાલકો અને એસોસિયેશનોમાં પડ્યાં છે. રિક્ષાચાલક એસોસિયેશના આગેવાનોની દલીલ છે કે, અમદાવાદ આર.ટી.ઓ.માં દર વર્ષે ઓટો રિક્ષાનો ડેટા અપડેટ થતો રહે છે. પોલીસ અને આરટીઓ તંત્ર વચ્ચે સંકલન હોવાથી પોલીસ પાસે પણ આ ડેટા હોય જ છે. અમદાવાદમાં મુસાફરો લૂંટાવાના બનાવો બને છે તે ચિંતાજનક છે. પણ ગુનાઈત મનોવૃત્તિ ધરાવતાં પાંચ-દસ ટકા રિક્ષાચાલકોના કારણે નિષ્ઠાપૂર્વક ધંધો કરતાં બાકીના 90 ટકા રિક્ષાચાલકો માટે પરેશાની ઊભી કરવાનો અર્થ નથી. આવા નબળી મનોવૃત્તિના ગણ્યાગાંઠ્યા રિક્ષાચાલકોને શોધી કાઢવાની જવાબદારી પોલીસની છે. રિક્ષાચાલક એસોસિયેશનો પોલીસ માટે હમંશા મદદરૂપ ભૂમિકા ભજવે છે ત્યારે રોજનું કમાઈને ખાતાં 90 ટકા રિક્ષાચાલકો માટે નાહકની પરેશાની સર્જાશે.
રિક્ષાનું ઓનલાઈન બુકીંગ વધ્યું છે છતાં આદેશ
અમદાવાદ શહેરમાં મુસાફરી માટે ઓનલાઈન ઓટો રિક્ષા અને ટુ વ્હીલરના બુકીંગ કરવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદમાં 50 હજારથી વધુ ઓટો રિક્ષાઓ તેમજ 10 હજારથી વધુ ટુ વ્હીલરચાલકો ઓનલાઈન રાઈડ બુક કરતી એજન્સીઓમાં નોંધાયેલાં છે. ઓનલાઈનના જમાનામાં 50 ટકાથી વધુ મુસાફરો ઓનલાઈન રિક્ષા અને ટુ વ્હીલર બુકીંગ કરાવીને તેમાં બેસે છે. ઓનલાઈન રાઈડ કરાવતી કંપની પાસે રિક્ષા, કેબ કે ટુ વ્હીલરચાલક ઉપરાંત મુસાફરોની વિગતો હોય જ છે. આવા સંજોગોમાં મેગા સિટી અમદાવાદમાં મુસાફર પરિવહનના વાહનોના મુદ્દે આદેશને જુનવાણી અને અણઘડ પણ ગણાવાઈ રહ્યો છે.

