સ્વચ્છતામાં દેશના સૌ પ્રથમ શહેર એવા ઈન્દોર અને અમદાવાદની પરિસ્થિતિમાં બહુ તફાવત નથી.અમદાવાદના ચાર ઝોનમાં 150થી વઘુ સ્પોટ એવા છે કે, જ્યાં 30થી 50 વર્ષ જૂની પાણી અને ડ્રેનેજની લાઈન આવેલી છે. દૂષિત પાણીની સમસ્યાના કારણે જે તે વિસ્તારના લોકોના પેટમાં ગરબડ થવા સહિતની તકલીફ રોજની બની ગઈ છે. આમ છતાં કોર્પોરેશનના સત્તાધીશો રૂપિયા 1 કરોડના ખર્ચે હાઈજેનિક પાણી પીશે.

અમદાવાદમાં 150થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ
અમદાવાદ શહેરમાં કોટ વિસ્તાર સહિતના મઘ્યઝોન ઉપરાંત દક્ષિણ તથા પૂર્વ અને ઉત્તરઝોનમાં મોટાભાગે પોળ અને ચાલી વિસ્તાર આવેલો છે. આ એવા વિસ્તાર છે કે જે સાંકડા રસ્તા ઉપર આવેલા છે. વર્ષો પહેલાં અમદાવાદમાં બનેલી ચાલીઓના મકાન નીચેથી પણ જે તે વિસ્તારની કોર્પોરેશનની પાણી કે ડ્રેનેજની લાઈન આવેલી છે. આ પ્રકારના સ્પોટ ઉપર ગટર ઉભરાવી, ડ્રેનેજના પાણી બેક મારવાથી લઈ પ્રદૂષિત પાણી આવવું અથવા તો પાણીમાં વાસ આવવી જેવી સમસ્યાનો વર્ષોથી કોઈ કાયમી ઉકેલ કોર્પોરેશન લાવી શક્યું નથી.
આ માટે તંત્રની દલીલ છે કે, જો પ્રદૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો હોય તો જે તે વિસ્તારની ચાલીના મકાન તોડી નીચે રહેલી પાણી કે ડ્રેનેજની લાઈન નવી નાંખવી પડે. તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરે બે વર્ષ પહેલા કોટ વિસ્તારમાં વર્ષો જૂની પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા રૂપિયા 300 કરોડથી વઘુનું પેકેજ ફાળવ્યુ હતુ. જેનો હાલમાં પણ પૂરો અમલ કોર્પોરેશન કરી શક્યું નથી. મઘ્યઝોનમાં મંથરગતિથી પાણી અને ડ્રેનેજની લાઈન બદલવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂરી થતાં હજુ બેથી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. ત્યાં સુધી લોકોને હેરાન થવું જ પડશે.
દૂષિત પાણીની સમસ્યાવાળા સ્થળો
– ખાડીયા, સારંગપુર,દોલતખાના, કાકાબળીયાની પોળ, રતનપોળ, ભજ ગોવિંદની ખડકી, સારંગપુર, જયેન્દ્ર પંડીત નગર, પંચમુખી મહાદેવની ચાલી, સારંગપુર પુલ નીચે, રાયપુર દરવાજા બહાર.
– જમાલપુર, ટોકરશાની પોળ, સોદાગરની નાની અને મોટી પોળ, મોરકસવાડ, મિરઝાપુર, લોધવાડ, જાન સાહેબની ગલી, શાહપુર મિલ કમ્પાઉન્ડ, ભીલ વાસ, સુલેહખાના,કડવા શેરી, કાચની મસ્જિદ, સિંધી વાડ.
