અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વધી રહેલું હવાનું ચિંતાનો વિષય બન્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન છેલ્લા પાંચ વર્ષમાં હવાને શુદ્ધ કરવાના નામે વિવિધ રૂ.549 કરોડનો ખર્ચ કરાયા બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે. પાંચ વર્ષ પહેલાંનો એર ક્વોલિટી ઇન્ડેક્સ યથાવત જ રહેતા મ્યુનિ.ના તમામ આયોજનો ખાતર પર દીવેલ સમાન દ્વારા સાબિત થયા છે. ત્યારે મ્યુનિ.ના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા આયોજનોમાં હવાની શુદ્ધતા બાબતે ખરેખર ગંભીરતાથી આયોજન હાથ ધરવામાં આવે તેવી માંગ પણ વિપક્ષે કરી છે.

અમદાવાદ શહેરમાં હવાને શુદ્ધ કરવાના વિવિધ આયોજનો માટે રૂ.81 કરોડની રકમની મંજૂરી તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આપવામાં આવી છે. આ દરખાસ્ત બાબતે આક્ષેપ કરતા વિપક્ષે જણાવ્યું છે કે, વર્ષ 2019-20નો અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 349 હતી. પાંચ વર્ષમાં રૂ. 549 કરોડની રકમ જુદા જુદા આયોજનોમાં વપરાયા બાદ વર્ષ 2024-25માં આ ઈન્ડેક્સ 345 થયો છે! એટલે કે કરોડો રૂપિયા વાપર્યા પછી સ્થિતિ દળી દળીને ઢાંકણીમાં…જેવી થઈ છે.અમદાવાદ શહેરની હવા શુદ્ધ થઈ રહી નથી, ત્યાં આ રૂ.81 કરોડની રકમમાંથી 18 કરોડ ગાંધીનગર મહાપાલિકા તથા કલોલ, સાણંદ અને બાવળા પાલિકાને આપવાનો વિચિત્ર નિર્ણય પણ મ્યુનિ.ના સત્તાધીશોએ લીધો છે! હવાની શુદ્ધતા બાબતે અમદાવાદ શહેરનો દેશમાં 24મો ક્રમ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધારવા માટે દર વર્ષે ફાળવવામાં આવતી રકમ અન્ય બીજા આયોજનોમાં વાપરી નાંખવામાં આવે છે. જેના કારણે કોઈ પરિણામ મળ્યું નથી. છેલ્લે પ્રજાએ ભોગવવાનો વારો આવે છે.

