અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદમાં શનિવારે (છઠ્ઠી સપ્ટેમ્બર) ગણેશ વિસર્જન દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં પાલડીથી ગીતા મંદિર અને કાલુપુર તરફનો રસ્તો તેમજ એલિસબ્રિજથી રાયપુર સુધીનો રસ્તો ઉપરાંત, રિવરફ્રન્ટના રસ્તા પણ બંધ રહેશે. જેથી વાહનચાલકોને અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે સુચના આપવામાં આવી છે.
શનિવારે અમદાવાદના અનેક રસ્તા બંધ રહેશે
શનિવારે અમદાવાદમા ખુબ મોટા પ્રમાણમાં ગણેશ વિસર્જન થવાનું હોવાથી શહેરના પાલડી અને એલિસબ્રિજથી પૂર્વ વિસ્તારમાં જતા રસ્તા બંધ કરવામાં આવનાર છે. જે અનુસંધાનમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં પાલડીથી એસ ટી ગીતા મંદિર સુધીનો રસ્તો બંધ રહેશે. જેથી ગીતા મંદિરથી પાલડી આવવા માંગતા વાહનચાલકોને બહેરામપુરાથી દાણીલીમડા ચાર રસ્તા થઈને આંબેડકરબ્રીજ થઈને પાલડી અને આશ્રમ રોડ આવી શકાશે. જ્યારે ગીતા મંદિરથી રાયપુર ચાર રસ્તા અને ત્યાંથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીનો રસ્તો પણ બંધ રહેશે. જેથી કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે એસટીથી ભુલાભાઈ ચાર રસ્તાથી કાંકરિયા ગોમતીપુર રેલવે કોલોનીથી આંબેડરકર હોલથી કાલુપુર બ્રીજથી રેલવે સ્ટેશન જઈ શકાશે.


