અમદાવાદ શહેરના સુભાષ બ્રિજ વિસ્તારમાં આવેલી પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) ને આજે સવારે ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સનસનાટી મચી ગઈ હતી. ધમકીભર્યો મેઈલ મળતા જ RTO પ્રશાસન દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
સુરક્ષાના કારણોસર RTO કચેરીના તમામ બિલ્ડિંગોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. કચેરીમાં હાજર અરજદારો અને સ્ટાફને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ધમકીને પગલે ડ્રાઈવિંગ લાયસન્સ માટેના ટ્રેક ટેસ્ટ અને અન્ય તમામ વહીવટી કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે અરજદારોમાં ભારે હાલાકી જોવા મળી હતી.

ઘટનાની ગંભીરતાને જોતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમોને બોલાવવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા RTO કેમ્પસના ખૂણે-ખૂણે તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને લાયસન્સ ટ્રેક, સર્વર રૂમ અને પાર્કિંગ એરિયામાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
