AHMEDABAD : SIR ને કારણે બધુ ઠપ, સરકારી કચેરીઓ ખાલીખમ, અરજદારોને ભટકવાનો વારો આવ્યો

0
46
meetarticle

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાન (SIR) જોરશોરથી ધમધમી રહ્યું છે. મતદાર યાદીની સફાઇ ઝુંબેશમાં શિક્ષકો જ નહીં, વિવિધ સરકારી વિભાગોના અધિકારી-કર્મચારીઓની મદદ લેવામાં આવી છે. જેના કારણે પરિસ્થિતી એવી થઇ છે કે, સ્ટાફ વિના સરકારી કચેરીઓ ખાલીખમ નજરે પડે છે જેથી લોકોના કામો ખોરંભે પડ્યાં છે. અરજદારો આમથી તેમ ભટકી રહ્યાં છે ત્યારે ઓફિસમાં એક જ જવાબ મળી રહ્યો છે કે, સાહેબ નથી.

સ્ટાફ વિના લોકોના કામો ખોરંભે

કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશને પગલે ગુજરાતમાં SIRની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના પગલે મહેસૂલ, સિંચાઈ, પંચાયત સહિત વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરવામાં આવ્યાં છે. કર્મચારીઓ પણ તનતોડ મહેનત કરી રહ્યાં છે, જેથી કોઈપણ મતદાર મતદાર યાદીમાંથી બાકાત રહી ન જાય. સરકારી કર્મચારીઓની ચૂંટણીલક્ષી કામગીરીમાં મદદ લેવાઈ રહી છે ત્યારે મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, તાલુકા-જિલ્લા પંચાયત, સિંચાઈ વિભાગ, જીએસટી ઉપરાંત મહાનગર પાલિકાના વિવિધ વિભાગની ઓફિસો સ્ટાફ વિહોણી બની છે.રેશનિંગ કાર્ડથી માંડીને રોજિંદા કામો માટે આવતાં અરજદારો કર્મચારી-અધિકારી વિના ધક્કે ચડ્યાં છે. મહેસૂલથી માંડીને અન્ય અગત્યના કામો અટવાઇ પડ્યાં છે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં પ્રજાલક્ષી કામોની અરજીઓ પેન્ડીંગ પડી છે જેથી અરજદારો સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યાં છે. અમદાવાદ મહાનગર પાલિકામાં પણ 300થી વધુ કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડવામાં આવ્યાં છે જેના લીધે ટેક્સની કામગીરી પર અસર થઈ છે. આ ઉપરાંત મિલકત સીલ કરવા સહિત અન્ય કામગીરી ઠપ થઈ છે. શિક્ષકોને બુથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવી છે, જેના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓ જાણે નોંધારાં બન્યાં છે. કોઈ ભણાવનાર જ નથી પરિણામે SIRની કામગીરીને લીધે શિક્ષણકાર્ય પર ખૂબ જ અસર પડી છે. ઘણી શાળાઓમાં તો શિક્ષકો વિના એક વર્ગમાં બે ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા મજબૂર થવુ પડ્યુ છે.

આંગણવાડી કર્મચારીઓની ફરિયાદ

આંગણવાડીમાં પણ વર્કર બહેનો જ નથી. આંગણવાડી વર્કરોને પણ SIRની કામગીરી સુપરત કરાઇ છે જેથી બાળકોનું ઘ્યાન રાખનાર જ નથી. સાથે સાથે સગર્ભા મહિલાઓની પોષણલક્ષી કામગીરી પર અસર પહોંચી છે. આંગણવાડી વર્કરોને તો એક પછી એક કામ માથે થોપી દેવાય છે જેથી આ મામલે કલેક્ટર-ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરાઇ છે. દાંતા સહિત અન્ય ઠેકાણે તો આંગણવાડી વર્કરોએ બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવાની માંગ સાથે દેખાવો કર્યાં છે. 

કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરી

SIRની કામગીરીને લઇને કોંગ્રેસ પ્રતિનિધીમંડળે ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરી કે, ગુજરાતમાં અલગ અલગ સ્થળે મતદારના નામ હોય તો એપ્લિકેશનના માધ્યમથી કેમ ચકાસણી કરાતી નથી. ડુપ્લીકેટ મતદારોને શોધવા માટે કેન્દ્રીય-રાજ્ય ચૂંટણી પંચ પાસે કોઇ વ્યવસ્થા છે ખરી? ડબલિયા મતદારોને શો કોઝ નોટિસ આપી ખરાઇ કરવી જોઈએ. આ ઉપરાંત અમદાવાદ જેવા શહેરોમાં જ્યાં દબાણ હટાવાયા છે ત્યાં રહેતાં મતદારોને મતદાર યાદીમાં જોડવા માટે કેમ્પમાં આયોજન કરવું જોઇએ. જે સ્થળે રહેતાં હોય ત્યાં મતદાર યાદીમાં નામ ઉમેરવું જોઈએ. ઘણાં લોકો વિદેશમાં સ્થાયી થયાં છે તેમ છતાંય તેમના નામ મતદાર યાદીમાં છે તો આવા નામો રદ કરવા જોઈએ. રોજગારીની શોધમાં ઘણાં મતદારો શહેરમાં હોય છે એટલે તેઓ જ્યાં રહેતાં હોય તેમને મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવા જોઈએ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here