અમદાવાદમાં બાળ તસ્કરી સામે મોટી સફળતા મેળવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (DCB) અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી નવજાત શિશુના વેચાણના મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસે આ મામલે એક નવજાત બાળકને રેસ્ક્યૂ કર્યું છે અને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, 28મી જાન્યુઆરીના રોજ ગુજરાત ATS ને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈની ટીમે એરપોર્ટની બાઉન્ડ્રી વોલ પાસે કોતરપુર પમ્પિંગ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન હિંમતનગર તરફથી આવતી એક સફેદ રંગની કાર (GJ-01-MT-2600)ને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું, જેનું ગેરકાયદે વહન કરવામાં આવી રહ્યું હતું.

વંદના જીગરભાઈ પંચાલ (34): રહે. ઓઢવ, અમદાવાદ (મૂળ રહે. અયોધ્યા, યુ.પી.), રોશન ઉર્ફે સજ્જન અગ્રવાલ (42): રહે. હૈદરાબાદ (મૂળ રહે. ઝુંઝુનુ, રાજસ્થાન), સુમિત બચ્ચનભાઈ યાદવ (27): રહે. વટવા, અમદાવાદ (મૂળ રહે. સુલતાનપુર, યુ.પી.), આ ઉપરાંત, કાર ચાલક મૌલિક ઉમિયાશંકર દવેની પણ અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે કબૂલ્યું કે આ નવજાત શિશુને હિંમતનગર પાસે ‘મુન્નુ’ નામના વ્યક્તિ પાસેથી 3.6 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. આ બાળકને હૈદરાબાદ લઈ જઈને ત્યાંના ‘નાગરાજ’ નામના એજન્ટને વેચવાની તેમની યોજના હતી.
પોલીસે આ ઓપરેશનમાં 10,050 રૂપિયા રોકડ, ચાર મોબાઈલ ફોન (કિંમત 55,000 રૂપિયા) અને એક કાર જપ્ત કરી છે. આ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રેસ્ક્યૂ કરાયેલા નવજાત શિશુને તાત્કાલિક સારવાર અને તબીબી તપાસ માટે ચાઈલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે. હાલમાં પોલીસ આ રેકેટમાં જોડાયેલા અન્ય વચેટિયાઓ અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.
