અમદાવાદ ગ્રામ્યના અસલાલી ડિવિઝન હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. પોલીસ દ્વારા અલગ-અલગ રેડ દરમિયાન પકડાયેલા કરોડોની કિંમતના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું.અસલાલી ડિવિઝન પોલીસ દ્વારા કુલ 40,259 નંગ વિદેશી દારૂની બોટલો, જેની અંદાજિત કિંમત રૂપિયા 1,86,21,805/- થાય છે તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ જથ્થો અસલાલી, કણભા અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન પકડવામાં આવ્યો હતો.

અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં આ તમામ મુદ્દામાલ પર રોલર ફેરવીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ત્રણ મુખ્ય પોલીસ સ્ટેશનોના મુદ્દામાલનો સમાવેશ કરાયો હતો.
જેમાં અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 01/10/2025થી તારીખ 20/01/2026 સુધી પકડાયેલી કુલ 28,555 બોટલ, કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 01/08/2025થી તારીખ 31/12/2025 સુધી પકડાયેલી કુલ 2,999 બોટલ અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 01/08/2025થી તારીખ 31/12/2025 સુધી પકડાયેલા કુલ 8,705 બોટલનો નાશ અસલાલી ખાતે કરાયો હતો. આમ અસલાલી ડિવિઝન દ્વારા કુલ રૂપિયા 1.86 કરોડથી વધુની કિંમતના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.
