કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ પહેલાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા રિવરબ્રિજ ઉપરાંત ફલાયઓવર,રેલવે ઓવરબ્રિજનુ સમારકામ હાથ ધરવામાં આવ્યુ છે. સુભાષ અને જુના ગાંધીબ્રિજના રીપેરીંગની કામગીરી હાલ ચાલી રહી છે.૧૩૨ વર્ષ જુના એલિસબ્રિજની સમારકામની કામગીરી રાજકમલ બિલ્ડર્સને રુપિયા ૨૭ કરોડના ખર્ચથી આપવામા આવી હતી.આ બ્રિજને સ્ટીલ સ્ટ્રકચર સાથે રીહેબ કરવામા આવી રહયો છે. જુના અને નવા સરદાર બ્રિજ ઉપરથી અદાણીની ગેસ પાઈપલાઈન પસાર થતી હોવાથી સપ્લાય બંધ ના થાય ત્યાં સુધી આ બંને બ્રિજના સમારકામની કામગીરી કરવી શકય બને એમ નથી.એક અંદાજ મુજબ અલગ અલગ બ્રિજના માઈનોર રીપેરીંગ પાછળ અત્યારસુધીમાં કોર્પોરેશન તરફથી રુપિયા ત્રણ કરોડથી વધુની રકમનો ખર્ચ કરાયો છે.અમદાવાદમાં નવ રિવરબ્રિજ, ૨૩ રેલવે ઓવરબ્રિજના ફકત પોર્શન, ૧૧ રેલવે અંડરબ્રિજના પોર્શન,૧૬ ફલાય ઓવરબ્રિજ, ચંદ્રભાગા ઉપરના બે તથા ખારીનદી ઉપરના એક તેમજ ખારીકટ કેનાલ ઉપરના સાત બોકસ કલ્વર્ટ મળી કુલ ૬૯ બ્રિજનું ઈન્સપેકશન કરવામા આવ્યુ હતુ.ઈન્સપેકશન પછી રીપેરીંગની કામગીરી શરૃ કરવામા આવી હતી.શહેરમા એક તરફ વિવિધ બ્રિજના મેજર અને માઈનોર રીપેરીંગની કામગીરી ચાલી રહી છે.જયારે બીજી તરફ ચોમાસુ પુરુ થયા પછી અલગ અલગ વિસ્તારમા આવેલા ૪૨ બ્રિજનુ ઈન્સપેકશન શરુ કરવામા આવ્યુ છે.જે બ્રિજના રીપેરીંગની કામગીરી પુરી કરાઈ છે તેમાં ચીમનભાઈ પટેલ અને જીવરાજ બ્રિજનો સમાવેશ થાય છે.પ્રબોધ રાવલ બ્રિજ તથા જમાલપુર બ્રિજ ઉપર માઈનોર રીપેરીંગ કામગીરી પુરી કરાઈ છે.

રેલવે ઓવરબ્રિજ ઉપર બેરીંગ રીપ્લેસમેન્ટ પાછળ ૪૩ કરોડ ખર્ચ કરાશે
શહેરમા આવેલા ગિરધરનગર રેલવે ઓવરબ્રિજ ઉપરાંત ચામુંડા રેલવે ઓવરબ્રિજ,કેડીલા અને નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ તથા જરુરીયાત મુજબ અન્ય બ્રિજના બેરીંગ રીપ્લેસમેન્ટની કામગીરી કરાવવા જી.એસ.ટી.સિવાય રુપિયા ૪૩.૨૭ કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે.આ માટેનુ ટેકનિકલ બીડ ૬ ડિસેમ્બર-૨૫ના રોજ ખોલવામા આવશે.

