અમદાવાદમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાની વચ્ચે બી.આર.ટી.એસ.કોરીડોર હટાવવાને લઈ મ્યુનિસિપલ તંત્રની બેવડી નિતી જોવા મળી રહી છે.જયાં એત તરફ ભાજપના દરિયાપુરના ધારાસભ્યની રજૂઆતને પગલે દિલ્હી દરવાજાથી દુધેશ્વર તરફનો બી.આર.ટી.એસ.કોરીડોર દુર કરાયો છે.જયારે જમાલપુર-ખાડીયાના ધારાસભ્યે સારંગપુરથી વિકટોરીયા ગાર્ડન સુધીના બી.આર.ટી.એસ.કોરીડોરને દુર કરવાની રજૂઆતનો અમલ નહીં કરાય એવો કોર્પોરેશને લેખિત જવાબ આપ્યો છે.

કોટ વિસ્તારમાં વિકટોરીયા ગાર્ડનથી છેક સારંગપુર જ નહીં પરંતુ કાલુપુર રેલવે સ્ટેશન સુધી જે તે સમયે નાંખવામા આવેલ બી.આર.ટી.એસ.કોરીડોર અને બસ સ્ટોપ શરૃઆતથી જ એક અથવા બીજા કારણોસર વિવાદમાં આવેલા છે.વર્ષ-૨૦૦૮-૦૯થી શરુ થયેલી બી.આર.ટી.એસ.ની સર્વિસ પછી એ.એમ.ટી.એસ.ની કેટલીક બસોને બી.આર.ટી.એસ.કોરીડોરમાં મિકસ ટ્રાફિકના નામે દોડાવાનો કોર્પોરેશને નિર્ણય કર્યા પછી પણ સારંગપુરથી વિકટોરીયા ગાર્ડન સુધી ટ્રાફિકની ગીચતા ઘટવાના બદલે સતત વધતી જાય છે.દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને રજૂઆત કરતા દિલ્હી દરવાજાથી દૂધેશ્વર તરફનો કોરીડોર તંત્રે દુર કર્યો હોવાનુ ધારાસભ્ય કબૂલે છે.જયારે હાલ કાલુપુર રેલવે સ્ટેશન ઉપરાંત સારંગપુર બ્રિજની કામગીરી ચાલી રહી છે.જેના કારણે માત્ર કાલુપુર જ નહીં પરંતુ સારંગપુર,રાયપુરથી લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી આવેલી છે તેવા ખમાસા ચાર રસ્તા થી લઈ છેક વિકટોરીયા ગાર્ડન સુધી સવારથી લઈ મોડી રાત સુધી બી.આર.ટી.એસ. કોરીડોરના કારણે સતત ટ્રાફિક જામ રહેતો હોવા છતાં કોરીડોર દુર નહીં જ કરાય એવો તંત્ર તરફથી જવાબ આપવામા આવ્યો છે.
કોરીડોર હટશે તો અકસ્માત વધશે તેવો તંત્રનો વાહીયાત જવાબ
કોર્પોરેશન તંત્રે આપેલા જવાબમાં સારંગપુરથી વિકટોરીયા ગાર્ડન સુધીના રૃટ ઉપર કુલ સાત સ્ટેશન આવેલા છે.જો આ કોરીડોર દુર કરવામા આવે તો બસ સ્ટેશનની બહાર જતા અને અંદર આવતા પેસેન્જરોને અકસ્માત થવાની સંભાવના છે.આ કોરીડોર દુર કરવાથી આ રુટ ઉપર દબાણ વધી જવાની સંભાવના હોવા જેવો વાહીયાત જવાબ તંત્ર તરફથી અપાયો છે. સમસ્યા જે દિલ્હી દરવાજાથી દુધેશ્વર કોરીડોરમા નડતી હતી તે સમસ્યા આ રુટ ઉપર પણ દોડે છે.તેમ છતાં કોરીડોર હટાવવામા નહી આવે.
