AHMEDABAD : ડિલિવરી બોયે 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ

0
43
meetarticle

અમદાવાદ શહેરમાં ફરી એકવાર સગીરાની સુરક્ષા પર સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરા પર ડિલિવરી બોયે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. પરિવારે ફરિયાદ નોંધાવતા જ આરોપી ઉજ્જૈન ભાગી ગયો હતો, જેને પરત ફરતા જ ચાંદખેડા પોલીસે દબોચી લીધો છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જય પરમાર નામનો આરોપી ડિલિવરી બોય તરીકે કામ કરે છે અને અવારનવાર સગીરાની સોસાયટીમાં ડિલિવરી આપવા માટે આવતો હતો. આ દરમિયાન તેની નજર સગીરા પર પડી હતી.આરોપી જય પરમારે સગીરાનો સંપર્ક કરવા માટે એક કાગળમાં પોતાનો મોબાઇલ નંબર લખીને આપ્યો હતો. ત્યારબાદ સગીરા અને આરોપી સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા અને વાતચીત કરવા લાગ્યા હતા.

એક દિવસ સગીરા ઘરેથી કોઈક બહાનું કાઢીને આરોપી જયને મળવા માટે જતી રહી હતી. આરોપી સગીરાને રિક્ષામાં બેસાડી મહેમદપુર વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.ઘટના બાદ સગીરાએ હિંમતભેર સમગ્ર હકીકત પોતાના પરિવારજનોને જણાવી હતી. આ સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ તાત્કાલિક ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપી જય પરમાર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદની ગંધ આવી જતાં આરોપી જય અમદાવાદ છોડીને ઉજ્જૈન ભાગી ગયો હતો. જોકે, ચાંદખેડા પોલીસે તપાસના ચક્રો ગતિમાન રાખ્યા હતા. જેવો આરોપી ઉજ્જૈનથી પરત ફર્યો, પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.શહેરમાં ચાંદખેડા, વાડજ, સોલા, અમરાઇવાડી, કૃષ્ણનગર, નિકોલ અને વેજલપુરમાં છેડતીના સૌથી વધુ કેસો નોંધાયા છે. જોકે, અમદાવાદ શહેરમાં એકેય વિસ્તાર એવો નથી જ્યાં છેડતીનો કિસ્સો બન્યો ન હોય. મહિલા સશક્તિકરણની વાતો કરાય છે ત્યારે વચન-વાયદા આપવામાં શૂરી સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં ઉણી ઉતરી છે.

સલામત ગુજરાતમાં જ મહિલાઓ અને યુવતીઓ અસલામતી અનુભવી રહી હોય તેવુ ચિત્ર ઉભુ થયુ છે. ગુજરાતમાં છેડતીના કિસ્સામાં અમદાવાદ શહેર ટોપ પર રહ્યુ છે. ગૃહ વિભાગના રિપોર્ટે જ ગુજરાતના કાયદા વ્યવસ્થાની સ્થિતીનો અસલી ચિતાર રજૂ કર્યો છે. મેટ્રો સીટી અમદાવાદમાં દર વર્ષે છેડતીના 250 કિસ્સા નોંધાઈ રહ્યાં છે.

મહિલા-યુવતીઓની છેડતી ન થાય તે માટે પોલીસ તંત્ર નક્કર પગલાં લેવામાં નિષ્ફળ નિવડ્યું છે, તેનું કારણ એછેકે, શહેરમાં રોમિયો છાકટા બન્યાં છે અને તેમને ખાખીનો જાણે ડર રહ્યો નથી. આ પરિસ્થિતીને લીધે ખાસ કરીને નવરાત્રિમાં પોલીસે એન્ટિ રોમિયો સ્કોવોર્ડ કાર્યરત કરવી પડે છે. સામાન્ય દિવસોમાં આ મુદ્દે વધુ ધ્યાન અપાતુ નથી. છેલ્લાં બે વર્ષની વાત કરી એ તો, અમદાવાદ શહેરમાં વર્ષ 2024માં છેડતીના 231 અને વર્ષ 2025માં 171 કેસો નોધાયા હતાં.

ગુજરાતમાં મહિલાઓની સલામતીને લઈને સવાલો સર્જાયા છે કેમકે, મહિલા અને યુવતીઓ અસલામત હોય તેવો અહેસાસ કરી રહી છે. ગૃહ વિભાગના રિપોર્ટના તારણો પરથી એક બાબત સાબિત થઈ છે કે, ગુજરાતનો એકેય જીલ્લો એવો નથી જ્યાં છેડતીનો કિસ્સો બન્યો ન હોય. છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતમાં છેડતીના કુલ મળીને 8199 કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં છેડતીના કેસ વધુ નોંધાયા છે.

ગુજરાતમાં છેડતી અને બળાત્કારના કેસો વધ્યાં છે સાથે સાથે જાતિય સતામણીના કિસ્સામાં ય વધારો નોંધાયો છે. એનસીઆરબીના રિપોર્ટમાં એ વાત ઉજાગર થઈ છે કે, ગુજરાતમાં મહિલાઓ માટે કચેરી, ઓફિસ કરતાં જાહેર સ્થળો વધુ જોખમી છે. ઓફિસ કરતાં વાહન અને જાહેર સ્થળોએ જાતિય સતામણીના કિસ્સા વધુ નોંધાયાં છે. વર્ષ 2023માં રાજ્યમાં જાતિય સતામણીના કુલ મળીને 252 કેસ નોંધાયા છે. મહિલા-યુવતીઓનો પીછો કરવો અને એક નજરે તાકી તાકીને જોવું તે પ્રકારના કિસ્સા વધુ બની રહ્યાં છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here