અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે મેગા ડીમોલીશન બાદ ખુબ મોટાપ્રમાણમાં બંગાળી પરિવારોને ચોક્કસ એજન્ટોએ શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેવા માટે મોકલ્યા હતા. ત્યારબાદ તે પરિવારની યુવતીઓ અને મહિલાઓની મજબુરીનો લાભ ઉઠાવીને તેમને સ્પા સેન્ટરના નામે દેહવિક્રયના કારોબારમાં ધકેલવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા ગોતા અને ચાંદલોડિયામાં દરોડો પાડીને 17 બાંગ્લાદેશી યુવતીઓ અને મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલાઓ અન્ય લોકોના સંપર્કમાં રહેવા માટે મોબાઇલ ફોન કરવાને બદલે મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કરતી હતી અને અમદાવાદમાં તે કેટલાંક સ્પા અને ગેસ્ટ હાઉસમા એજન્ટોની મદદથી સક્રિય હતી.

( અજય બંગાળી અને ભાઇ)
અમદાવાદમાં સક્રિય એજન્ટો બાંગ્લાદેશી યુવતીઓને ચોક્કસ કમિશન સાથે સ્પાના સંચાલકો સાથે મળીને કામ અપાવવાના નામે મસાજ સેન્ટરમાં દેહ વિક્રય કરવા માટે મજબુર કરવાનું શરૃ કરાયું છે.
જેમાં નવરંગપુરાના તુલસી કોમ્પ્લેક્સમાં આવેલા એન્જલ સ્પાના અજય બંગાળી નામના વ્યક્તિએ તેના સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓને જ સ્પાના કારોબારમાં સક્રિય કરી છે. જેમાં મસાજ નહી પણ દેહના સોદા માટેનું નેટવર્ક ચલાવતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સ્પા નવરંગપુરા પોલીસ સ્ટેશનથી માત્ર 400 મીટર દુર જ આવેલુ છે. પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી.

