અમદાવાદના એસ.જી. હાઈવે પર આજે (27મી માર્ચ) અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પકવાન ઓવરબ્રિજ પર પૂરઝડપે આવી રહેલા કારચાલકે બાઈક સવાર વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક કારના બોનેટ અને એન્જિનના ભાગમાં ફસાઈ ગયું હોવા છતાં ચાલકે કાર ઊભી રાખવાને બદલે તેને હાઈવે પર દૂર સુધી ઢસડ્યું હતું.

થલતેજથી સરખેજ તરફ જતી વખતે કાળ આંબી ગયો
મળતી માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં રહેતા 47 વર્ષીય કમલેશ પાણખાણિયા આજે પકવાન ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન થલતેજથી સરખેજ તરફ જઈ રહેલા માર્ગ પર પૂરઝડપે આવતી એક વોક્સવેગન કારે તેમના બાઈકને અડફેટે લીધું હતું. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટક્કર બાદ આખું બાઈક કારના આગળના ભાગમાં ઘૂસી ગયું હતું, તેમ છતાં નિર્દયી કારચાલક અકસ્માત સર્જીને બાઈક ઢસડતી હાલતમાં જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઈજાગ્રસ્ત કમલેશભાઈની હાલત અત્યંત નાજુક
આ ગમખ્વાર અકસ્માતમાં કમલેશભાઈને શરીરના અનેક ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને છાતી, કમરના માથા અને કપાળના ભાગે ઊંડા ઘા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત બંને પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ તથા શરીરે અન્ય જગ્યાએ ઘા પડ્યા છે.
ઘટના બાદ તરત જ લોકોએ 108ને જાણ કરી ઇજાગ્રસ્તને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, તેમની હાલત અત્યંત નાજુક જણાતા અને વધુ સારવારની જરૂર હોવાથી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસનો ધમધમાટ
અકસ્માતની આ ઘટના બાદ ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાઈરલ વીડિયો અને હાઈવે પર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે કારના નંબરની ઓળખ કરી ફરાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

