AHMEDABAD : પ્લેન ક્રેશના પીડિતોને ક્યારે મળશે ન્યાય? અમેરિકન વકીલને વિમાનમાં ગરબડની આશંકા

0
56
meetarticle

અમદાવાદમાં સર્જાયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાને છ મહિના વીતી ગયા હોવા છતાં પીડિત પરિવારો હજુ પણ સત્ય અને વળતરની રાહ જોઈ રહ્યા છે. આ પરિવારોનું પ્રતિનિધિત્વ કરતા અમેરિકન વકીલ માઈક એન્ડ્રુઝે તપાસની પ્રગતિ અને દુર્ઘટનાના સંભવિત કારણો અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

વળતર અને અંગત વસ્તુઓ મેળવવાની પીડિતોની આશા

અમેરિકન વકીલ માઈક એન્ડ્રુઝે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘જ્યાં સુધી સત્ય બહાર નહીં આવે ત્યાં સુધી પીડિત પરિવારોનો ઘા રૂઝાશે નહીં. ઘણાં પરિવારો હજુ પણ તેમને વચન આપવામાં આવેલા વળતરની રાહ જોઈ રહ્યા છે. કેટલાક પરિવારો તેમના પ્રિયજનોની યાદો ધરાવતી નાની અંગત વસ્તુઓ, જેમ કે ક્રેશ થયેલી ફ્લાઇટમાંથી મળેલા સામાનનો ટુકડો, મેળવવાની આશા રાખી રહ્યા છે, જે તેમના માટે પ્રિયજનોની છેલ્લી યાદ છે.

તપાસ અને ‘આપઘાત’ના એન્ગલ પર સવાલ

વિમાન દુર્ઘટનાની તપાસ અંગે, માઈક એન્ડ્રુઝે કહ્યુ કે,’એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં બહાર આવ્યા પછી આશા અને ચિંતા બંને વધી ગઈ છે. શરૂઆતના દિવસોમાં આપઘાતના એન્ગેલની અટકળો સામે આવી હતી, જે પીડિત પરિવારો માટે  ઝટકો હતો. આ અઠવાડિયે, ભારતીય તપાસ એજન્સી AAIB અને યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે વોશિંગ્ટનમાં કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર સાંભળ્યું અને તેની સમીક્ષા કરી. આ રેકોર્ડિંગ્સ સંભવતઃ તે અંતિમ ફ્લાઇટ વિશે સત્ય ધરાવે છે.’

વિમાનમાં સંભવિત ‘ઇલેક્ટ્રિકલ ખામી’ની આશંકા

વકીલ માઈક એન્ડ્રુઝે વિમાનમાં સંભવિત ઇલેક્ટ્રિકલ ખામી તરફ ધ્યાન દોરતા ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘રેમ એર ટર્બાઇન (RAT)નું ટેકઓફ પછી તરત જ આપમેળે સક્રિય થવું અત્યંત અસામાન્ય છે. આવું સામાન્ય રીતે ત્યારે જ થાય છે જ્યારે વિમાનની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ગંભીર ખામી સર્જાય હોઈ શકે છે. એક બચી ગયેલા વ્યક્તિએ કેબિનની લાઇટ અચાનક બંધ થઈ જવાની અને પછી ફરી ચાલુ થવાની જાણ કરી હતી, જે પણ ઇલેક્ટ્રિકલ ફેલ્યોર તરફ ઈશારો કરે છે. મારી ટીમ બોઇંગ 787 ની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં નવ-દસ વર્ષ પહેલાં જે ખામીઓ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, તે આ અકસ્માતનું મૂળ કારણ હોઈ શકે છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.

ભારપૂર્વક માઈક એન્ડ્રુઝે જણાવ્યું કે, ‘મારી ટીમ પુરાવા, ડેટા અને સત્યનો પીછો કરી રહી છે, જેથી પીડિત પરિવારોને ઝડપથી ન્યાય મળે અને તેઓ તેમના પ્રિયજનોના છેલ્લા શબ્દોને સમજીને રાહતનો શ્વાસ લઈ શકે.’

વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા

ઉલ્લેખનીય છે કે, 12મી જૂન 2025ના રોજ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભરી અને થોડીક સેકન્ડ પછી એન્જિનમાં ખામી સર્જાતા વિમાન બી.જે. મેડિકલ કૉલેજ હોસ્ટેલ સાથે અથડાયું અને ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા. જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ અને 19 અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here