અમદાવાદમાં ત્રણ સ્થળે ફલાય ઓવરબ્રિજ બનાવવા તથા એક સ્થળે આઈકોનિક રોડ બનાવવા ૫૦ વર્ષ જુના એવા લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવા મંજૂરી અપાઈ છે.શહેરનું ગ્રીન કવર વધારવાના બણગા ફુંકનારા સત્તાધારી પક્ષના હોદ્દેદારો અને તઁત્રમાં ફરજ બજાવતા અધિકારીઓને ન્યાયતંત્રની પણ પરવાહ ના હોય એ પ્રમાણે મંજૂરી અપાઈ રહી છે.૨૭૩ વૃક્ષો પૈકી નરોડા પાટિયા ફોરલેન ફલાય ઓવરબ્રિજ બનાવવા સૌથી વધુ ૧૪૨ વૃક્ષો જડમૂળથી કાપી નાંખવામાં આવશે.આ પૈકી કેટલાક વૃક્ષો કપાવાની શરુઆત પણ કરી દેવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વર્ષ-૨૦૨૫-૨૬માં શહેરના વિવિધ વિસ્તારમાં ૪૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા માટે ૬૯ કરોડથી વધુનો ખર્ચ કરવામા આવ્યો હતો.શહેરમાં અત્યારસુધીમાં ટ્રી-સેન્સસ કામગીરી અંતર્ગત ૧૨ લાખથી વધુ વૃક્ષોની ગણતરી પુરી કરાઈ હોવાનો દાવો અધિકારીઓ કરી રહયા છે. આ પરિસ્થિતિની વચ્ચે આર.ટી.ઓ.સર્કલથી સાબરમતી ચાંદખેડા તરફના ચીમનભાઈ પટેલ બ્રિજની બાજુમાં ટોરેન્ટ પાવર તરફના બ્રિજને પહોળો કરી નવો રેલવે ઓવરબ્રિજ બનાવવા બ્રિજના એલાઈમેન્ટમાં આવતા ૭૩ પૈકી પાંચ વૃક્ષને બચાવી નડતરરુપ ૬૮ વૃક્ષોને દુર કરવા ૧૧ ડિસેમ્બરના રોજ કોર્પોરેશન તરફથી જાહેર હરાજી કરાશે.આ ઉપરાંત લો-ગાર્ડનથી પંચવટી જંકશન થઈ શેઠ સી.એન. વિદ્યાલય સુધી ફલાયઓવરબ્રિજ બનાવવા નડતરરુપ ૪૯ પૈકી હાલમાં ચાર વૃક્ષ બચાવી ૧૭ વૃક્ષને જડમૂળથી કાપીને લઈ જવા જાહેર હરાજી કરવામાં આવશે.અમદાવાદની સતત પ્રદૂષિત બનતી જતી હવાના શુધ્ધિકરણ માટે પ્રયાસ કરવાના બદલે રાજકારણીઓ અને કોર્પોરેશનના અધિકારીઓ વર્ષો અગાઉ બાપદાદાએ જતન કરી ઉગાડેલા લીલાછમ વૃક્ષોનુ નિકંદન કઢાવી રહયા છે.છતાં તેમનુ રુવાડું પણ ફરકતુ નથી.
કયાં-કેટલા વૃક્ષો કપાશે?
-ચીમનભાઈ બ્રિજ વાઈડનીંગ કામગીરી- ૬૮
-પંચવટી જંકશન ફલાયઓવર કામગીરી- ૧૭
-નરોડા પાટિયા ફલાય ઓવર કામગીરી-૧૪૨
-દહેગામ સર્કલ સુધી આઈકોનિક રોડ માટે-૪૬
૭થી ૧૨ મીટર ઉંચાઈના કયા-કયા વૃક્ષો કપાશે?
ચીમનભાઈ બ્રિજ અને પંચવટી જંકશન ફલાય ઓવરબ્રિજની કામગીરી માટે નડતરરુપ એવા ૭થી ૧૨ મીટર ઉંચાઈ ધરાવતા લીમડાના વૃક્ષો ઉપરાંત પીપળો,કણજી, અરડુસી, ગુંદી, સીસમ,ગોરસ આમલી, જાંબુડો તેમજ આસોપાલવ,બદામ, પેલ્ટુફોમ,ઉમરો, આંબલી,કાઈજેલીયા, કરંજ સહિતના વૃક્ષોનો સમાવેશ થાય છે.
ધારી રકમ ન મળતા ફરીથી હરાજી કરાશે
કોર્પોરેશનના ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન અમરિશ પટેલે ચીમનભાઈ પટેલ અને પંચવટી જંકશન માટે નડતરરુપ વૃક્ષો કાપી નાંખવાની જાહેર હરાજીને કહયુ, અગાઉ આ વૃક્ષો કાપી નાંખવા હરાજી કરાઈ હતી.પરંતુ ધારી રકમ નહીં મળવાથી ફરીથી ૧૧ ડિસેમ્બર-૨૫ના રોજ બગીચા ખાતાની રસાલા ગાર્ડન કચેરી ખાતે ફરીથી હરાજી કરાશે.કોર્પોરેશને કયા વર્ષમાં કેટલા વૃક્ષ કાપ્યા?
વર્ષ વૃક્ષની સંખ્યા
૨૦૧૭ ૧૦૬૮
૨૦૧૮ ૨૨૪૩
૨૦૧૯ ૩૧૪૩
૨૦૨૦ ૧૦૦૩
૨૦૨૧ ૮૭૧
૨૦૨૨ ૧૨૦૦
૨૦૨૩ ૧૪૧૬
ટ્રી પ્લાન્ટેશન પાછળ કયારે-કેટલો ખર્ચ કરાયો
વર્ષ રોપા (લાખમાં) ખર્ચ(કરોડમાં)
૨૦૧૯ ૧૧.૫૮ ૧.૯૪
૨૦૨૦ ૧૨.૮૨ ૩.૩૨
૨૦૨૧ ૧૨.૮૨ ૭.૩૯
૨૦૨૩ ૨૦.૦૦ ૯.૦૦
૨૦૨૪ ૨૦.૦૦ ૩૦.૦૦
૨૦૨૫ ૪૦.૦૦ ૬૯.૦૦

