અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શો 2026માં ઉત્તરાયણની રજાઓ વરદાન સાબિત થઈ છે. પતંગબાજીની મજા માણ્યા બાદ મોટી સંખ્યામાં શહેરીજનોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. ગઈકાલે માત્ર એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 78 હજારથી વધુ મુલાકાતીઓ નોંધાયા હતા, જેનાથી કોર્પોરેશનને માત્ર 24 કલાકમાં જ 90 લાખ રૂપિયાની માતબર આવક થઈ છે. ફૂલોની અવનવી પ્રતિકૃતિઓ અને આકર્ષક ડેકોરેશન જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ વર્ષે ફ્લાવર શોએ લોકપ્રિયતાના નવા આયામો સર કર્યા છે. સત્તાવાર આંકડાઓ મુજબ, શોની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 4.71 લાખથી વધુ લોકોએ અહીંની મુલાકાત લીધી છે. આ ભીડને કારણે મનપાની કુલ આવક અત્યાર સુધીમાં 5 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. મનપા દ્વારા ભીડને નિયંત્રિત કરવા અને સહેલાણીઓની સુવિધા માટે વધારાના ટિકિટ કાઉન્ટર અને સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ મુલાકાતીઓની સંખ્યામાં હજુ વધારો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
