ભારત સરકારના ‘બેટી બચાવો–બેટી પઢાવો’ ઝુંબેશએ 22 જાન્યુઆરીએ તેના 11 વર્ષ પૂર્ણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ‘બેટી બચાવો–બેટી પઢાવો’ ઝુંબેશની શરૂઆત 22 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય હેતુ લિંગના આધાર પર થતા પસંદગીજન્ય ભ્રૂણહત્યાને અટકાવવાનો, દીકરીઓના અસ્તિત્વ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો તેમજ તેમની શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ કેન્દ્ર સરકારની શત-પ્રતિશત નાણાંકીય સહાયથી અમલમાં મુકાયેલી યોજના છે, જે દેશના તમામ જિલ્લાઓમાં અમલમાં છે. આ જ ક્રમમાં દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે દીકરીઓના સશક્તિકરણની દિશામાં ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ યોજના હેઠળ માત્ર ₹250થી 10 વર્ષ સુધીની દીકરીઓ માટે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકાય છે. તેમાં 8.2% વ્યાજદર મળે છે, જે અન્ય કોઈપણ નાની બચત યોજનાથી વધુ છે. આ ખાતું દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે વરદાન સમાન છે. આ યોજનામાં એક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ ₹250 અને મહત્તમ ₹1.5 લાખ સુધીની રકમ જમા કરાવી શકાય છે. ખાતું ખોલ્યા બાદ માત્ર 15 વર્ષ સુધી જમા કરાવવાની આવશ્યકતા રહે છે. દીકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ થતાં જમા રકમમાંથી 50 ટકા ઉપાડી શકાય છે અને ખાતું ખોલ્યાના 21 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર જમા રકમ ઉપાડી શકાય છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રની પોસ્ટ ઓફિસોમાં 4.90 લાખ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેમાં 21 અબજ રૂપિયાથી વધુની કુલ રકમ જમા છે. તે જ રીતે, સમગ્ર ગુજરાત પરિમંડળમાં અંદાજે 16.35 લાખ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેમાં 66 અબજ રૂપિયાથી વધુની કુલ રકમ જમા છે. ગામડાઓમાં ડાક ચૌપાલથી લઈને વિવિધ શાળાઓમાં અભિયાન ચલાવી તમામ પાત્ર દીકરીઓને આ યોજનાથી જોડવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં 1015 ગામોને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ તરીકે વિકસાવવામાં આવ્યા છે. આ ગામોમાં દસ વર્ષ સુધીની તમામ પાત્ર દીકરીઓના સુકન્યા ખાતાઓ પોસ્ટ ઓફિસમાં ખોલી દેવાયા છે. એટલું જ નહીં, આ ગામોમાં કોઈપણ ઘરમાં દીકરીના જન્મની ખુશખબર મળે તો પોસ્ટમેન તાત્કાલિક તેનું સુકન્યા ખાતું ખોલાવવા માટે પહોંચી જાય છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે સુકન્યા સમૃદ્ધિ યોજના માત્ર રોકાણનું એક સાધન જ નથી, પરંતુ તે દીકરીઓના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સાથે પણ ગાઢ રીતે જોડાયેલી છે. આ યોજનાના આર્થિક પાસાં સાથે સાથે તેના સામાજિક પાસાં પણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ યોજનામાં જમા થતી રકમ સંપૂર્ણપણે દીકરીઓ માટે જ રહેશે, જે તેમના શિક્ષણ, કારકિર્દી અને લગ્ન જેવા મહત્વપૂર્ણ પ્રસંગોમાં ઉપયોગી બનશે. દીકરીઓના સશક્તિકરણ દ્વારા આ યોજના ભવિષ્યમાં નારી સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતને પણ વધુ બળ આપશે.
સહાયક નિદેશક શ્રી રિતુલ ગાંધી જણાવે છે કે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર તથા આધારની નકલ તેમજ તેના માતા અથવા પિતાના આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ સાથે બે ફોટોગ્રાફ લઈને નજીકની પોસ્ટ ઓફિસમાં સંપર્ક કરી શકાય છે. આ ખાતામાં આવકવેરા અધિનિયમની ધારા 80સી હેઠળ ₹1.5 લાખ સુધીની આવકવેરા છૂટ મેળવવાની પણ જોગવાઈ છે.

