રાજ્યમાં લોકો અસમંજસમાં જોવા મળી રહ્યા છે. રાત્રિના સમયમાં અતિશય ઠંડી પડી રહી છે, તો બપોરના સમયે ગરમીના કારણે પંખો ચાલુ કરવો પડી રહ્યો છે. આવામાં બેવડી ઋતુના કારણે રોગચાળામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં રોગચાળો વકરવાના કારણે દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.અમદાવાદમાં હાલ લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે. જે કારણે વાયરલ ઈન્ફેક્શન, શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે.

સોલા સિવિલ હોસ્પિટસના ઇન્ચાર્જ RMO હેમાંગીની પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં બેવડી ઋતુથી રોગચાળો વધ્યો છે. સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનના દૈનિક 700 કેસ નોંધાયા છે. આ સાથે સોલા સિવિલમાં ગત સપ્તાહમાં OPDમાં 14122 દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી 1081 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી છે. આ સાથે ડેન્ગ્યુના 14 દર્દીને સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાળકોના વિભાગમાં પણ OPDમાં 50થી વધુ દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 15 બાળકોને દાખલ કરાયા છે.
અમદાવાદ શહેરમાં પ્રદૂષણ વધ્યું છે. જે કારણે દૂષિત હવાને લીધે શ્વાસ ન લઈ શકવાના કેસમાં પણ વધારો નોંધાયો છે. શ્વાસ ન લેવાના કેસમાં 10થી 15 ટકાનો વધારો નોંધાયો છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. સરકારી હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે.ઇન્ચાર્જ RMO હેમાંગીની પટેલ દ્વારા બાળકો અને વૃદ્ધોને ધૂંધળા વાતવરણમાં બહાર ન જવા અપીલ કરવામાં આવી છે. આ સાથે તેમણે લોકોને ગરમ ખોરાક ખાવા અને ગરમ કપડા પહેરવા જણાવ્યું છે. આ સાથે બહારનું ન જમવાની અપીલ પણ તેમણે કરી છે.

